________________
૨૬૮
તત્ત્વાર્થ સૂત્ર તોલીએ તો ત્રાજવાનાં બંને પલ્લાં એકસરખાં રહે છે. કોઈ પલ્લું નમતું નથી.
જો તંતુઓથી પટ જુદો હોય તો તો પટનો આરંભ કર્યો નથી તેવી અવસ્થામાં તંતુઓનું જે વજન છે તે જ વજન પટ થયા પછી પણ તંતુઓ તો કાયમ છે જ તો પટનું વજન વધવું જોઈએ અને વજન વધે એટલે એક બાજુનું પલ્લું તો નમવું જોઈએ ને ? જ્યારે ત્રાજવાના નમવામાં તો કોઈ ફરક પડતો નથી. માટે તંતુઓ પોતાનાથી જુદા કોઈ અવયવી દ્રવ્યના આરંભક નથી. આથી અવયવના સમુદાયથી જુદું કોઈ અવયવી દ્રવ્ય નથી.
આ રીતે પર્યાયાસ્તિક નયે દ્રવ્યાસ્તિકનું ખંડન કર્યું અને હવે પોતે કરેલ ખંડન બરાબર જ છે તે દઢ કરતાં બતાવે છે કે
અવયવ દ્રવ્યમાં રહેલ રૂપાદિ ગુણો અવયવીના રૂપાદિ ગુણોના આરંભક છે કેમ કે વૈશેષિકના મતમાં જે અવયવોના ગુણો છે તે જ ગુણો અવયવીના ગુણોના આરંભક છે તે માટે પ્રમાણ આપે છે–
‘દ્રવ્યો બીજાં દ્રવ્યોના આરંભક છે. ગુણો બીજા ગુણોના આરંભક છે.”
પણ આ વાત માની શકાય તેમ નથી. કારણ કે જો આરંભક દ્રવ્યોના ગુણો અવયવી દ્રવ્યના ગુણોના આરંભક બનતા હોય તો અવયવોનું જે વજન છે તે વજનથી અવયવીનું વજન વધવું જોઈએ. દશપલ જેટલા વજનવાળાં તંતુઓના સમુદાયથી એક જુદો પટ હોય તો તંતુઓના વજન કરતાં પટનું વજન વધવું જોઈએ પણ ત્રાજવામાં તોલ કરતાં તંતુઓના વજનથી પટનું થોડું પણ વજન વધતું નથી. ત્રાજવાનાં બંને પલ્લાં સરખાં હોય છે. એના નમવામાં કોઈ ફરક હોતો નથી. માટે અવયવોના સમુદાયથી કોઈ જુદું અવયવી દ્રવ્ય નથી આ જ સિદ્ધ થાય છે.
આ રીતે અવયવના ધર્મોથી તમે જે અવયવી માનો છો તેમાં ધર્મ(વજન)નો ભેદ પડ્યો નથી. આથી જે પક્ષ છે “અવયવોથી જુદું અવયવી દ્રવ્ય છે તેનો અપવાદ થાય છે. અર્થાત્ તમારો પક્ષ દૂર થાય છે. આ પ્રકૃત ખંડનનો તાત્પર્યાય છે.
આ રીતે પર્યાયાસ્તિક દ્રવ્યાસ્તિકના પક્ષને દૂર કરીને હવે અભ્યપગમવાદથી જાણે તેની વાતને સ્વીકારીને આગળ ફરી પ્રશ્ન કરે છે કે – અવયવોના સમુદાયથી ભિન્ન અવયવી દ્રવ્ય માનનારને પ્રશ્નો
તમે પટને તંતુથી જુદો માનો છો તો અમે તમને બે પ્રશ્ન પૂછીએ છીએ, કેમ કે તંતુઓમાં પટને રહેવાની શક્યતા બે પ્રકારે બની શકે છે. (૧) દેશથી, (૨) સર્વથી.
તો દરેક તંતુઓમાં પટ સર્વથી રહે છે ? કે દેશથી રહે છે? અમારા આ બે પ્રશ્નોના જવાબ આપો. (૧) એક તંતુમાં સર્વથી પટ છે એમ કહો તો પટનું ગ્રહણ થવું જોઈએ.