________________
૧૭૯
અધ્યાય-૫ ઃ સૂત્ર-૨૪
જેમ ઘટ દ્રવ્ય છે તો તેનો આશ્રય બે કપાલ દ્રવ્ય બને છે. જ્યારે શબ્દનો આશ્રય તો એક આકાશદ્રવ્ય જ છે.
માટે શબ્દ એ દ્રવ્ય નથી.
શબ્દ એ કર્મ-ક્રિયા નથી. કેમ કે શબ્દનો ચાક્ષુષ પ્રત્યક્ષ નથી. અર્થાત્ ચક્ષુથી ભિન્ન ઇન્દ્રિયથી પ્રત્યક્ષ છે. અહીં ચક્ષુથી ભિન્ન શ્રોત્રેન્દ્રિય છે. શબ્દનો પ્રત્યક્ષ શ્રોત્રેન્દ્રિયથી થાય છે. મતલબ શબ્દ ક્રિયા હોય તો આંખથી દેખાય. માટે શબ્દ કર્મ જ નથી.
આમ શબ્દ એ દ્રવ્ય નથી, કર્મ નથી. બાકી રહ્યો ગુણ. માટે પારિશેષ અનુમાનથી શબ્દ એ ગુણ છે એમ સિદ્ધ થાય છે.
વળી શબ્દ એ ક્ષણિક છે. કેમ કે ઉચ્ચારણથી પહેલા અને પછી શબ્દના અસ્તિત્વને સિદ્ધ કરનારું કોઈ લિંગહેતુ નથી.
ઉચ્ચારણની પહેલા શબ્દ નથી...
શબ્દની જે કારણસામ્રગી છે તેના પહેલાં શબ્દનો આત્મલાભ નથી. અર્થાત્ શબ્દરૂપ કાર્ય નથી. માટે ઉચ્ચારણ પહેલા શબ્દ નથી.
ઉચ્ચારણ પછી પણ શબ્દ નથી...
ઉચ્ચારણ કર્યા પછી પણ શબ્દ નથી. કેમ કે શબ્દની અભિવ્યંજક કોઈ વસ્તુ નથી. શબ્દનું ઉચ્ચારણ કર્યા પછી શબ્દને પ્રકાશિત કરનાર કોઈ વસ્તુ નથી તેથી શબ્દનું ઉચ્ચારણ કર્યા પછી શબ્દને સિદ્ધ કરનાર કોઈ લિંગ નથી.
શબ્દનો અભિભંજક નથી તેનું કારણ...
જો કોઈ અભિવ્યંજક હોય તો કારણને લીધે વિકાર ન થાય. અર્થાત્ વસ્તુમાં ફેર પડતો નથી. વસ્તુ તેવી ને તેવી રહે છે.
દા. ત. દીપક, દિવ્યમણિ આ બધા ઘટના અભિભંજક છે. આ બધાના સંનિધાનમાં ઘટમાં કોઈ પરિમાણનો ફરક પડતો નથી જોવાયો. કારણ કે અભિવ્યંજકનો ભેદ હોવા છતાં એટલે અભિવ્યંજક જુદા જુદા હોવા છતાં ઘટમાં કશો ફરક પડતો નથી. ઘટ એવો ને એવો જ હોય છે.
જ્યારે શબ્દમાં આ શબ્દ અલ્પ છે, આ મધ્ય છે આવો ભેદ પ્રાપ્ત થાય છે. અર્થાત્ આ તાર છે, આ શબ્દ નાનો છે, આ શબ્દ મોટો છે. આવા શબ્દ-ધ્વનિમાં ભેદ દેખાય છે માટે શબ્દનો કોઈ અભિવ્યંજક નથી.
વળી ભેરી આદિના સંયોગથી, વેણુના પર્વના વિભાગથી અને શબ્દથી શબ્દની ઉત્પત્તિ વીચિતરંગ ન્યાયથી થાય છે.
વીચિસંતાન એટલે તરંગની શ્રેણી. જેમ એક તરંગ બીજી તરંગને, બીજી તરંગ ત્રીજી તરંગને પેદા કરે છે. આમ તરંગથી જેમ તરંગ થાય છે તેમ શબ્દથી શબ્દની ઉત્પત્તિ થાય છે.