________________
તત્ત્વાર્થ સૂત્ર
હવે તમે જે ‘અનાવિષ્ટાત્' હેતુ આપ્યો હતો તે હેત્વાભાસ છે, અનૈકાન્તિક દોષથી દૂષિત છે. કેમ કે સૂક્ષ્મ ક્ષેત્રના-ચંગુલ પ્રમાણ ક્ષેત્રના ભેદ કરતા જઈએ ત્યારે ચંગુલના અંતિમ ભાગમાં જે બે પ્રદેશો છે તે નિરંતર (આંતરાવગર) ત્યાં જ રહેલા છે. ત્યાં રહેલા એવા બે પ્રદેશો પ્રવેશ નહીં કરતા જ સંયુક્ત થાય છે અર્થાત્ પ્રવેશ કર્યા વિના જ સંયુક્ત છે એટલે એ બે પ્રદેશોનો યોગ છે પણ પ્રવેશ નથી તો આમ તમારો હેતુ જ્યાં સાધ્યાભાવ છે ત્યાં રહી ગયો. કેમ કે તમે યોગાભાવની સિદ્ધિમાં ‘અનાવિષ્ટત્વાત્' હેતુ આપ્યો હતો તે હેતુ જ્યાં યોગ છે ત્યાં રહી ગયો માટે તમારો આ હેતુ વ્યભિચારી છે.
૨૨૨
શંકા :- તો તમારા કહેવા પ્રમાણે પર્યન્તવર્તિ બે પ્રદેશો નિરંતર અવસ્થિત છે અને પ્રવેશ નથી તો તો તમારે દેશથી સંયુક્ત છે એમ કહેવું પડશે.
સમાધાન :- વાદી ! તારું આ કથન પણ બરાબર નથી. કેમ કે પ્રદેશો સૂક્ષ્મ છે તેથી એના બીજા કોઈ દેશનો સંભવ જ નથી. દેશનો સંભવ જ નથી તો દેશથી સંયુક્ત છે એમ કહેવાની વાત જ ક્યાં ?
શંકા :- તો તમારા કહેવા પ્રમાણે પ્રદેશો સ્વયં સંયુક્ત થઈ જાય છે એ વાત ઠીક પણ સૂક્ષ્મ હોવાથી દેશથી યોગ નથી એમ કહ્યું તો હવે બે આંગળીઓ છે તેનો યોગ નહીં થાય. કેમ કે તે તો સૂક્ષ્મ નથી અને દેશના અભાનવાળી પણ નથી. માટે તેનો તો દેશથી યોગ થશે પણ આંગળીઓનો યોગ તો નહીં જ થાય.
સમાધાન :- તારી આ શંકા પણ બરાબર નથી. કેમ કે બે આંગળીઓમાં કોઈ અંતર નથી. નૈરન્તર્ય હોવાથી તેનો યોગ છે જ.
શંકા :- જો તમે આંગળીનો યોગ માનશો તો તેના પ્રદેશોનો પ્રવેશ માનવો પડશે.
સમાધાન :- તારું આ કથન પણ બરાબર નથી. કેમ કે જો પરસ્પર પ્રદેશોનો પ્રવેશ મનાય અર્થાત્ એકબીજામાં મળી જાય છે. આવું મનાય તો બે આંગળીના અભાવનો પ્રસંગ આવશે. કેમ કે એક આંગળીના પ્રદેશો બીજી આંગળીમાં પ્રવેશે તો એક આંગળી જ રહે, બીજી આંગળીનું અસ્તિત્વ ન રહે. માટે પ્રદેશોનો પરસ્પર પ્રવેશ પણ મનાય નહીં.
વાદી :- તમે પરમાણુને નિરવયવ માનો છો તે બરાબર નથી. કેમ કે પરમાણુનો કોઈ આકાર છે, અને આકારવાળી વસ્તુ સાવયવ હોય છે. દા. ત. ઘટાદિ, આકારવાળા છે તો સાવયવ હોય છે. તેમ પરમાણુ પણ આકારવાળો હોવાથી સાવયવ છે જ તો તેને તમે નિરવયવ કેવી રીતે સ્વીકારી શકો ?
પરમાણુ આકાર વગરનો છે.
પ્રતિવાદી :- સંસ્થાન દ્રવ્યના અવયવોથી બને છે, અને તે સંસ્થાન ત્યારે જ બની શકે કે અવયવી દ્રવ્યના અવયવો હોય. જેમ ઘટ એ અવયવી દ્રવ્ય છે તો તેના અવયવો છે, અને અવયવો છે માટે ઘટ આકારવાળો બને પણ પરમાણુને કોઈ અવયવ નથી, નિરવયવ છે. નિરવયવ હોવાથી એનું કોઈ સંસ્થાન નથી.