________________
અધ્યાય-૫ : સૂત્ર-૧૬
૯૯
દીપકને જેમાં મૂકીએ તે અધિકરણનો તે સંબંધી છે. પ્રદીપના પ્રકાશમાન અવયવો પ્રમાણ જેટલી ખુલ્લી જગા હોય તેટલામાં તેનો પ્રકાશ ફેલાય છે. જો ઓરડામાં રાખીએ તો ઓરડાને પ્રકાશિત કરે છે અને કૂંડામાં રાખીએ તો કૂંડાને પ્રકાશિત કરે છે. એટલે પોતાના તેજસ્વી અવયવો પ્રમાણ નિરાવરણ આકાશમાં પ્રદીપ વ્યાપ્ત થાય છે. એને જેમ જેમ નાની નાની વસ્તુમાં મૂકતા જઈએ તેમ તેમ તેના અવયવોનો સંકોચ થાય છે. અને જેમ જેમ મોટા આધારમાં મૂકીએ તેમ તેમ વિકાસ થાય છે.
દા. ત. માણિકામાં દીપક મૂક્યો તો એ માણિકાથી આવૃત થાય છે ત્યારે અલ્પ દેખાય : છે. દ્રોણમાં રાખીએ તો દ્રોણથી આવરાય છે ત્યારે એનાથી પણ અલ્પ એટલે અલ્પતર દેખાય છે. આઢક અને પ્રસ્થમાં મૂકીએ તો તેનાથી આવૃત થયેલ અલ્પતમ અવભાસવાળો દેખાય છે અને જ્યારે હાથથી ઢાંકીએ છીએ ત્યારે હાથથી આવરાયેલ અન્યતમ-એકદમ બીજા જેવો દેખાય છે.
જયારે તે જ દીપક ઉપરથી સંપૂર્ણ ઢાંકણ લઈ લેવાય છે ત્યારે પ્રકાશમાન મૂળ શરીરવાળો તે દીપક આકાશના ઘણા વિભાગને પ્રકાશિત કરે છે.
આમ અધિકરણની અપેક્ષાએ દીપકના પ્રકાશની અલ્પતા અને વિશાળતા છે.
ભાષ્યના અર્થનું નિરૂપણ
તેલ, વાટ અને અગ્નિરૂપ ઉપાદાનથી વધેલ' ભાષ્યની આ પંક્તિ દીપકનું વિશેષણ છે. આ વિશેષણથી સકળ કારણ સામગ્રીનું કથન કર્યું છે. “કૂટાગારશાલા ..' આદિ વાક્યોથી દીપકની અનેક અવસ્થાઓ બતાવે છે. પોતાના સ્વરૂપ અને અવયવોના ત્યાગ કર્યા સિવાય દીપક અનેક આકારને ધારણ કરે છે.
સંપૂર્ણ તેલ આદિ પ્રકાશને યોગ્ય કારણ સામગ્રીવાળો દીપક પોતાના સ્વરૂપનો ત્યાગ કર્યા વગર મોટામાં મોટા કે નાનામાં નાના અધિકરણમાં રહીને જેટલી જગા છે તેટલામાં પોતાનો પ્રકાશ ફેલાવે છે. નાની જગા હોય તો સંકોચ પામે છે, મોટી જગા હોય તો વિકાસ પ્રાપ્ત કરે છે.
આ રીતે પૂ. ભાષ્યકાર મ. દીપકનો સંકોચ અને વિકાસ છે તે બતાવ્યો તેને આપણે સારી રીતે વિચારી ગયા. હવે પૂ. ભાષ્યકાર મ. સ્વયં જ આ દૃષ્ટાંતને દાન્તિક જીવમાં ઘટાવે છે.
૧
અનાવૃત-આવરણ વગરના પોતાના અવયવપ્રમાણ આકાશને વ્યાપ્ત થાય છે પણ આખા વિશ્વને વ્યાપ્ત થતા નથી. વળી આત્મા કેવલી સમુદ્યાત વખતે લોકવ્યાપી હોઈ શકે છે પણ મોક્ષપ્રાપ્તિ ક્ષણે પોતાના શરીરની અવગાહનાથી ત્રીજા ભાગથી ન્યૂન હોય છે કારણ કે પોલાણ વગરના શરીરની અનુકરણવાળી આત્માની જે અવગાહના થાય છે તે પછી કોઈ પણ પ્રયોજન ન હોવાથી અવગાહનાનો સંકોચ હોઈ શકતો નથી...તત્વાર્થ મુદ્રિટિપ્પામ- કૃ૦ ૩૩૬.