________________
પત્રક-૩૦૭
૩૫ ત્યારપછી ૨૩ વર્ષથી એકદમ આત્માર્થની દશાવિશેષ સ્વરૂપ ચિંતવન, સ્વરૂપ ઘોલનવાળી થઈ છે એમની. જેને લગની લાગી છે એમ કહી શકાય. ૨૩ વર્ષથી એ દશા અત્યંત સ્પષ્ટ એમના પોતાના જ પત્રોથી પ્રસિદ્ધ થાય છે. ૧૯૪૭ એટલે નવ્વાણું વર્ષ પહેલાં સમ્યગ્દર્શનને પામ્યા છે. ૨૦૪૬ ચાલે છે. ૧૯૪૭માં સમ્યગ્દર્શનશુદ્ધ સમ્યગ્દર્શન પ્રકાશિત થયું–પ્રગટ થયું. અને જેમના માત્ર પત્રો રહ્યા છે, અક્ષરદેહ જેને કહેવામાં આવે છે, એનાથી એમના ભાવનો પરિચય થાય છે, ભાવની ઓળખાણ પડે છે. એમની દશા એમણે ઠેકઠેકાણે પોતાના પત્રમાં વર્ણવી છે. એથી એમની દશા મોક્ષમાર્ગની શરૂઆત હોવા છતાં પણ કેવી પ્રબળ દશા હતી, એ વાત આગળના જ પત્રમાં આવશે. ચાલે છે ૩૦૭ પણ ૩૧૩માં એ વાત છે. ત્રીજો પેરેગ્રાફ છે.
કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ.” અપૂર્વ વીતરાગતા લખી છે. કેમકે હવે પડવાના નથી. “તેમ જ બીજા પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. માંડ માંડ કરી શકે છે. ખાવું બોજો લાગે. માણસ આહાર વખતે સ્વાદ લેવા ટાણે બધું ભૂલી જાય છે. ભૂખ લાગી હોય, અશાતા વેદનીને શાંત કરવી હોય અને છતાંય સ્વાદ લેવો હોય, બે વાત ભેગી થઈ જાય. ભૂલી જાય છે માણસ, હું આત્મા છું એ વાત ભૂલી જાય છે. માત્ર દેહધારી છું. દેહાધ્યાસ એટલો બધો છે કે આત્મા છું એ ભૂલી જાય છે.
અહીંયાં કહે છે કે માંડ માંડ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. “મન ક્યાંય વિરામ પામતું નથી..... એ બધી દશાનું એમણે ઠામ ઠામ પોતાના પત્રોમાં વર્ણન કર્યું છે. અને જેમના આ વચનોને લીધે અનેક અનેક હજારો જૈન, જૈનેતરોનું લક્ષ બદલાણું છે, સંપ્રદાયબુદ્ધિ છૂટી છે અને અપૂર્વ પુરુષ છે, અપૂર્વ કહેનારા છે, અપૂર્વ એમના વચનો છે એવો મહિમા અનેક અનેક જીવોને આવ્યો છે. આ સો વર્ષની અંદર ઘણા તો ચાલ્યા ગયા હશે. અનેક જીવો, હજારો જીવો અજૈનમાંથી જૈન થયા છે. જેમના વચનમાત્રથી અજૈનમાંથી જૈન થયા છે. એવો એમનો વચન અતિશય પણ કહેવાની જરૂર નથી. બતાવવાની જરૂર નથી એવો વચન અતિશય આ ગ્રંથને વિષે સ્પષ્ટ છે. સાધારણ લેખકના એવા વચનો મળે નહિ એવા મહાપુરુષનો આજે જન્મ દિવસ છે. એમની સાધના–એમની આરાધનાનું સ્મરણ કરવાનો આ અવસર છે.