________________
પત્રાંક-૩૧૩
મુંબઈ, પોષ સુદ ૭, ગુરુ ૧૯૪૮ જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ
આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે; ગુરુ અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણે ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે કે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે.
ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા
ક્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાની અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે.
કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજા પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાકય વદવા ઇચ્છા થતી નથી, કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝ સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે.
સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રે રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે છે તેવાનો પ્રસંગ નથી.