________________
૧૭૬
રાજહૃદય ભાગ-૫ હવે પેલી અન્ય દર્શનની અને આ દર્શનની સરખામણી કરે છે. અહીંયાં આ પત્રમાં પહેલીવહેલી એમણે ચર્ચા કરી છે. પહેલાં થોડી વાત લખી નાખી. પછી કહે સમાગમ લખીશું. વળી થોડીક વાત નાખી છે.
બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે.” જેને બંધ, મોક્ષની વ્યવસ્થાની યથાર્થ ખબર નથી, સમજણ નથી એ મુક્તિ કેવી રીતે પમાડે ? જે દર્શનને વિષે બંધ અને મોક્ષની વ્યવસ્થા યથાર્થ કહી છે એ દર્શન મુક્ત થવામાં નિમિત્ત કારણ છે અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. આમ કરીને જૈનદર્શનને સ્થાપ્યું કે આવી બંધ, મોક્ષની વ્યવસ્થા કોના વિષે છે? કે તીર્થંકરદેવે જે દર્શન સ્થાપ્યું છે, જે દર્શન માન્ય કર્યું છે અને એ માનીએ છીએ. બીજાને અમે માનતા નથી. એમ કહીને આ વેદાંત આદિનો નિષેધ કરી નાખ્યો. ભાષા વાપરી છે ને ? આગળ કેટલાક પત્રોમાં વેદાંતની ભાષા વાપરી છે. ચોખ્ખું લખી નાખ્યું. આ જગ્યાએ ચોખું લખ્યું. બંધ, મોક્ષની વ્યવસ્થા તીર્થંકરદેવે કહી છે એ સિવાય બીજાના દર્શનમાં એ વાત એટલી ચોખ્ખી ક્યાંય છે નહિ. એ સ્પષ્ટ કર્યું.
અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. આ વિશ્વાસ મૂક્યો છે ને પોતે ! તમે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. તમારા વિશ્વાસનું ફળ મુક્તપણું છે. તો એને એની પાછળ ઓઘસંજ્ઞા ન રહે એટલે ચોખવટ કરી કે જગતના જેટલા કોઈ સંપ્રદાયો અને દર્શનો છે એમાં તીર્થકરદેવનું જે દર્શન છે તે યથાર્થ છે. અને એ તીર્થંકરદેવનો અંતર આશય અત્યારે આ ક્ષેત્રે અમારા હૃદયમાં છે. આ વિષય અમારી પાસે ચોખો છે. એટલે તીર્થંકરનો જે બોધ છે એ અત્યારે આ ક્ષેત્રે જો કોઈને વિષે હોય તો તે અમારે વિષે છે. બીજાને કોઈને એમણે જોયા નથી. એ વખતે સંપ્રદાયના સાધુઓ વગેરે, ત્યાગીઓ જે કાંઈ છે પણ કોઈમાં એમણે યથાર્થ જ્ઞાન જોયું નથી. આ ક્ષેત્રે આ વિષે હોય તો અમારે છે, અમારામાં છે.
“કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે...” અમને અનુભવ વર્તે છે. અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે. અને વીતરાગદેવે જે શ્રુતજ્ઞાન કહ્યું છે તે અમને પણ વીતરાગપણું હોવાથી