________________
તા. ૧૮-૧૨-૧૯૮૯, પ્રવચન ન. ૧૦૮
પત્રાંક - ૩૭૩
(શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ. પત્ર-૩૭૩ ચાલે છે.) “મન” એટલે ભાવેન્દ્રિય. તેને લઈને એટલે મને દે છે ત્યારે. પોતે મન એમાં લાગુ કરે છે ત્યારે. અંગ્રેજીમાં એને એમ કહે છે કે Mind apply કરે છે. ત્યારે એની ઉપાધિ એમાં ઊભી થાય છે. એમ પણ લોકો કહે છે કે ફલાણી વાત કરવા આવ્યા હતા ભાઈ, મેં તો કાંઈ મન દીધું નથી, મેં કાંઈ મન દીધું નહિ એટલે શું ? અવગણના કરી નાખી એટલે એ સંબંધીની કોઈ ઉપાધિનો મેં વિચાર નથી કર્યો. એની ઘણી ઉપાધિ હતી. મેં મન નથી આપ્યું, મેં મન દીધું નહિ. એટલે જ્યારે જીવ મન દે છે ત્યારે અંદરમાં ઉપાધિ -ઊભી થાય છે અને “આ બધું એટલે સર્વસ્વપણે ઉદયમાં એકત્ર કરી નાખે. ત્યારે “આ બધું એટલે એને સર્વસ્વપણે એ જ થઈ જાય છે. જ્યાં એનું મન લાગે છે ત્યાં એનું સર્વસ્વ થાય છે. અને તેનો નિર્ણય તે સંબંધીનો આ પ્રકારનો જે નિર્ણય છે.
એવા જે ચાર ભાગ એ વાકચના થાય છે. તે સામાન્ય અર્થથી તો એ પ્રમાણે વિચારીએ પણ એનો વિશેષ અર્થ છે અથવા એનો જે રહસ્યાર્થ છે તે ઘણા કાળના બોધ જેમ છે તેમ સમજાય. એવું છે. એટલે એ વાત પોતે અધ્યાત્મમાં લઈ ગયા છે. આ એક સામાન્ય અર્થઘટનની વાત થઈ કે જીવ જ્યાં મન પરોવે છે ત્યાં એને એ વિષયની, એ પ્રસંગની, એ ઉદયની ઉપાધિ એના મનની અંદર ધારણ કરવી પડે છે અને સર્વસ્વપણે એ રીતે મનની અંદર એકાકાર થઈ જાય છે).
શાસ્ત્રમાં તો કર્તા-કર્મ અધિકારમાં એકત્વબુદ્ધિનું પ્રકરણ ચાલે છે ત્યાં તો એમ કહે છે કે જેમ આખો સમુદ્ર મુગ્ધ થાય છે. ક્ષુબ્ધ થાય છે એટલે આખા સમુદ્રની અંદર ખળભળાટ થાય છે. એમ આત્મા એકત્વબુદ્ધિએ જ્યારે પરદ્રવ્ય અને પરભાવમાં પરિણમે છે ત્યારે આખો આત્મા ક્ષુબ્ધ થાય છે. આકુળતાનો ખળભળાટ એના પ્રદેશે પ્રેદેશે આખો આત્મા એકત્વબુદ્ધિમાં આકુળિત થાય છે.