________________
પત્રાંક ૩૫૩
૩૭૧
થાય બધા ચારિત્રમોહના પ્રકૃતિના બધા પરિણામ થાય. એ થાય છે ખરા પણ કરું છું એવો અનુભવ એને નથી થતો. આ એક વિશિષ્ટતા છે અથવા વિલક્ષણતા છે જ્ઞાનીના પરિણમનની એ આ પ્રકારની છે. એ નિર્દેશ એમણે ૩૬૨માં કર્યો છે. એ કર્તા-કર્મનો અધિકાર લઈ લીધો છે કે જ્ઞાની રાગાદિનો કર્તા નથી. અન્ય ભાવનો હું કર્તા નથી. એવો બોધ ત્યાં પરિણમેલો છે. એ સ્વરૂપબોધ છે કે જે સ્વરૂપ રાગાદિરૂપ પરિણામ કરવા માટે સર્વથા અસંભવ અને અશક્યપણું જેમાં રહેલું છે એવું જેનું પોતાનું સ્વરૂપ છે એનો બોધ પોતાને વર્તે છે કે હું આવો છું.
ત્યાં તર્ક તો કરી શકાય કે જીવ દોષ કરે ને ના કેમ પડાય ? તો પછી શાની તો અપ્રમાણિક થઈ ગયા. ક્રોધ પોતે કરે છે, રાગ પોતે કરે છે, બીજાને પણ દેખાય એવી રીતે બુદ્ધિપૂર્વક વિકલ્પ કરે છે, તો પછી પ્રમાણિકતાનો સવાલ, તર્ક ઊભો કરી શકાય કે નહિ ?
મુમુક્ષુ :– છ ખંડ જીતવા માટે લડાઈ કરે છે.
પૂજ્ય ભાઈશ્રી :– છ ખંડ જીતવાની લડાઈ કરે છે. તો એ તર્ક કરાય કે ન કરાય ? નહિ, ત્યાં એ વાત અસ્થાને છે. એ ન્યાય ત્યાં લાગુ નથી થઈ શકતો. કેમકે જે ભિન્ન પડ્યા એવું જે એમના સ્વરૂપમાં પારમાર્થિક પરિણમન છે એને તારે વજન આપવું છે કે ચારિત્રમોહનો અંશ વિભાવિક ઉત્પન્ન થયો એને વજન આપવું છે તારે ? કોને વજન આપવું છે ? વજન કોને આપવું છે ? અથવા વજનદાર કોણ છે બેમાં ? ભિન્ન પડ્યો એ પરિણમન વજનદાર છે ? મહત્ત્વવાળું છે ? કે અલ્પ રાગાંશ થયો એ પરિણમન મહત્ત્વવાળું છે ? મહત્ત્વ શેનું છે ? જેનું મહત્ત્વ હોય એનું મહત્ત્વ આંકવું જોઈએ. સીધી વાત છે.
લોકો પણ એવું તો સમજે છે કે એક માણસે એક પ્રસંગ ચાલતો હોય એમાં લાખો રૂપિયાનું દાન દઈ દીધું. એ માણસ નાની-મોટી ઘણી વાતમાં ક્યાંક પાંચદસ રૂપિયા લખાવવા ચુકાઈ જાય. બધા સામાન્ય માણસો લખાવે કે અમારા દસ રૂપિયા લખજો, અમારા પાંચ રૂપિયા લખજો, અમારા અગિયાર રૂપિયા લખજો, એને ખ્યાલ બહાર ગયું અથવા વિકલ્પ જ ન આવ્યો, તો પછી એની ટીકા કરે ? જેણે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા, એને અહીંયાં કેમ દસ ન આપ્યા ? પાંચ કેમ ન અહીંયાં આપ્યા ? એની ટીકા થાય ખરી ? અને કોઈ કરે તો શું કહે એને ? કે ભાઈ !