________________
૪૫૦
રાજહૃદય ભાગ-૫
એનું મહાત્મ્ય કર્યું કે ખુદ વિષ્ણુ એની પૂજા કરે છે, શંકર એની પૂજા કરે છે, બ્રહ્મા પણ એની પૂજા કરે છે. ત્રણે દેવ એની પૂજા કરે છે. એવી બધી ઘણી વિભિન્ન પ્રકારની માન્યતા છે. પણ ઓઘે ઓથે ઈશ્વરકર્તા પ્રકારની જે શ્રદ્ધા છે એમાં આ મુસલમાન લોકો પણ આવી જાય છે. એ લોકો એને ખુદા કહે છે. ઈશ્વરને એ લોકો ખુદાના નામથી બોલે છે. એટલે એવી કોઈ શક્તિ છે કે જે કાંઈ પણ જગતનું સંચાલન કરે છે અને જો કોઈ સંચાલન કરનાર ન હોય તો એની મેળે જગત ચાલે કેવી રીતે ?
મુમુક્ષુ :– એ સંચાલનમાં પાછું સારું-નરસું...
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ પછી જેવા જેવા માણસો અપરાધ કરે એવો એને દંડ આપે, સારું કાર્ય કરે તો એને એનું સારું ફળ આપે. એમ ન્યાય કરે ખરા. ન્યાયયુક્ત સંચાલન છે. એવું ગડબડવાળું સંચાલન નથી પણ ન્યાયયુક્ત સંચાલન છે—એવી. એક માન્યતા છે. એ માન્યતા વિરુદ્ધ જો તમે એમ કહો કે ના, ઈશ્વર એવો કોઈ નથી, તો એને એ બાબતમાં દુ:ખ થાય એવું હોય છે કે આ તો એક એનો અનાદર છે, અપમાન છે, એની શક્તિનો વિરોધ કરવા જેવી વાત છે. સર્વશક્તિમાન ઈશ્વરની શક્તિનો વિરોધ કરવા જેવું છે. એટલે ચાહીને એ વાત એમણે લખી છે.
તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. એટલે અમે એવા ઈશ્વરમાં માનતા નથી અને એવા ઈશ્વરની વાતમાં પણ અમે ઉપેક્ષા કરીએ છીએ એ વાતની ગંભીરતા રાખીને તમને જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે,..’ એ એટલા માટે કે એમને એ મંદ કષાયનું એ એક જ સાધન હતું કે ઈશ્વર રાખે તેમ રહેવું. ઈશ્વરઇચ્છા પ્રમાણે રહેવું. એ સિવાય બીજો કોઈ આપણો ઉપાય ચાલતો નથી અને ઈશ્વર જે કરે છે તે યોગ્ય જ કરે છે. એટલે એ તમને અત્યારે કલ્યાણરૂપ છે.
મુમુક્ષુ :– એ રીતની શ્રદ્ધા એમને હતી.
પૂજ્ય ભાઈશ્રી :– હા, સિદ્ધ થાય છે. એમને એ પ્રકારની .. એટલે જે પ્રકાર એમ લીધો. તમે જે પ્રકારે ઈશ્વરાદિને વિષે શ્રદ્ધાશીલ છો...' એમની શ્રદ્ધા અહીંયાં પકડી છે. એટલું જ નહિ પણ એ શ્રદ્ધાના વિષય ઉપર પોતે પહેલુંવહેલું પોતાનો મત નથી એવું પણ સાથે સાથે કહી દીધું છે કે અમે તો એ વિષયમાં બિલકુલ