________________
પત્રાંક-૩૬૮
૪૫૧ ઉદાસ છીએ. જગત પ્રત્યે ઉદાસ છીએ, અમારા ઉદયભાવ પ્રત્યે ઉદાસ છીએ, એટલું નહિ પણ ખુદ ઈશ્વર પ્રત્યે પણ અમે ઉદાસ છીએ. એટલે જો એમનામાં વિચક્ષણતા હોય તો એમને ખ્યાલ આવે કે મારો અભિપ્રાય અને મને જેના ઉપર ઘણો વિશ્વાસ છે એવા મહાપુરુષના અભિપ્રાયમાં ફેર પડે છે. અહીંથી વિચાર એને શરૂ થઈ શકે. - “અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ જાળરૂપ વર્તે છે. એટલે અમને તો બધુંય સરખું છે. જગત, ઈશ્વર એ બધી જે તમારી ઈશ્વરની વાતો અને અમારો અન્યભાવ બધું એક સરખું છે, એમાં કાંઈ અમને કઈ તફાવત નથી લાગતો. અમે તો અત્યારે એક ખાતામાં બધાને ખતવીએ છીએ. એટલે બધું અમારે માટે તો એ જંજાળનું ખાતું છે. એ જંજાળમાં અમે ક્યાંય પડતા નથી. છે એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસપણે વર્તે છે.' આ એમણે ખાસ ટકોર કરી છે. એકલા જગત અને ઉદયભાવમાં, ઉદયમાં ઉદાસીનતા વર્તે છે એવું નહિ ઈશ્વરમાં પણ અમને ઉદાસીનતા વર્તે છે. પેલાપણે એક વચ્ચે શબ્દ નાખી દીધો, અહીંયાં હવે એને-ઈશ્વરને જુદાં પાડીને વાત કરી. જગતની અને અન્યભાવની વાત ન કરી. ઈશ્વરમાં પણ અમને ઉદાસીનપણું વર્તે છે.
પ્રશ્ન :- ઈશ્વરાદિમાં આદિમાં શું લેવું ?
સમાધાન :- ઈશ્વરાદિમાં પછી એમના વિષયનું જેટલું પ્રકરણ છે તમારે ત્યાં, એ બધામાં એ ન્યાય કરે છે અને એ આમ કરે છે તેમ કરે છે ને સર્વશક્તિમાન છે ને બધું એનું જેટલું છે વિશેષણ એ બધું લઈ લેવું. બધી વિશેષતાઓ.
“આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિષે પડવાને યોગ્ય તમે નથી.' અમે આટલું બધું ઈશ્વર પ્રત્યે લખી નાખ્યું તો અમને વિશ્વાસ છે કે તમને અમારામાં શંકા નહિ પડે કે અરે! આ તો ભગવાનને માનતા નથી. આ કઈ જાતના મહાત્મા છે કે ખુદ ભગવાનને જ ઉડાડે છે ! એવા તમે નથી. એટલો અમને તમારા ઉપર વિશ્વાસ છે. અત્યાર સુધી ગંભીરતા રાખીને એ વાતને અમે ખોલી નહોતી, ઊખેળી નહોતી, છંછેડી નહોતી. અત્યાર સુધી એમ ને એમ હરિઇચ્છા અને એમ કરીને બધું ભળતું જ લખતા હતા. ત્યાર પછીના ભવિષ્યકાળમાં તો લોકોને શંકા પડે કે આ શ્રીમદ્જી આવી ભાષા કેમ વાપરે છે ને આવું કેમ લખે છે ? પણ એ હેતુસર લખતા હતા. આ જગ્યાએ એમણે પહેલીવહેલી વાતને થોડી છંછેડી છે.