________________
૧૭૪
રાજહૃદય ભાગ-૫ જગતમાં તો એકબીજાને મદદ કરે છે કે ભાઈ ! આ મારો સંબંધી છે. એમને દુઃખ પડ્યું, લાવો એની મદદે જઈએ આપણે. આપણે જો લૌકિકષ્ટિએ પ્રવર્તશું તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ? એ પ્રકારનો સંબંધ આપણે નથી. વાત્સલ્ય નથી એમ નથી, હોં ! પોતે એટલા માટે તો એ વાત નાખી દીધી કે તમારી ચિંતા જાણીએ છીએ અને તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેદવા ઇચ્છીએ છીએ. એટલું વાત્સલ્ય છે. પણ માર્ગ છોડીને નહિ, માર્ગ છોડીને નહિ એમ કહે છે.
પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ?” કોઈ કોઈની ચિંતા લઈ શકે? કે કોઈ કોઈનું દુઃખ લઈ શકે ? એ તો કોઈ કાળે બન્યું નથી કે બને. અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિયોગ હાથમાં નથી.” કહી દીધું. એવા ઉદયમાં છીએ કે જાણે સમજી લ્યો કે રિદ્ધિયોગ અમારા હાથમાં નથી.
હવે એમ કહે છે કે પ્રાણીમાત્ર પ્રાય આહાર, પાણી પામી રહે છે. લગભગ જગતના બધા જીવોને આહાર-પાણી તો મળે છે. લોકો નથી કહેતા ? કે સૌને થોડુંજાજું પણ મળી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. માટે તમને કાંઈ આહાર, પાણી નહિ મળે એવી પરિસ્થિતિમાં તમે મુકાઈ જશો એવું તમે ધારતા નહિ, એવું ધારવું યોગ્ય નથી. જગતમાં લગભગ બધાને આહાર, પાણી તો મળી રહે છે. તમને પણ નહિ મળે. એવી કલ્પના કરવી એ અમને ઠીક નથી લાગતું.
ફક્ત કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે. આ એક તકલીફ થાય છે. બધાની તકલીફ આ હોય છે. રોટલા કોઈને નથી મળવાના એવું નથી બનતું પણ પોતે જે આબરૂ બાંધીને સમાજમાં સ્થાન પામ્યો છે એ સ્થાનમાંથી થોડું પણ Degrade થવું, થોડું પણ નીચે સ્થાન આવવું એ કોઈને પોસાતું નથી. એ કોઈ રીતે કોઈ ઇચ્છતું નથી. એના માટે એ ગમે તે કરી લેવા તૈયાર થઈ જાય છે. એટલે કુટુંબની લાજ જેને કહેવાય છે કે આપણા માટે આમ કહેવાઈ જશે, આમ બોલાઈ જશે. હવે બોલાઈ જશે તો તું કાંઈ આડો હાથ નહી દઈ શકે. જ્યારે બોલાઈ જશે ત્યારે કાંઈ તારું ચાલવાનું નથી. પણ તું એ કલ્પનામાં, એ લાજને મુખ્ય કરીને પરમાર્થને ગૌણ નહિ કર એમ કહેવું છે. એ વ્યવહારને મુખ્ય કરીને પરમાર્થને ગૌણ નહિ કરવું.