________________
૩૧૨
રાજહૃદય ભાગ-૫
ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે.' ધ્યાન છે એ ચારિત્રનો વિષય છે. હજી મુમુક્ષુતા પણ કાચી-પાકી હોય, સમ્યગ્દર્શન તો ઘણું દૂર હોય, સમ્યક્ત્તાન અને એની સ્થિરતા તો આ બહુ આગળનો વિષય છે. એટલે સમજ્યા વિના જે ધ્યાનને ઇચ્છે છે એ ખરેખર જ્ઞાનીને ઓળખતો નથી, અને જ્ઞાનીને વાસ્તવિકપણે ઓળખે છે એને તો પોતાનું માપ આવી જાય છે કે આમાં મારું ઠેકાણું નથી. ધ્યાનની તો વાત ક્યાં કરવાની રહી ? ધ્યાનની ઇચ્છા ક્યાં કરવાની રહી ? એટલે તે ધ્યાનાદિને ઇચ્છે નહીં.
અત્યારે જે આ બધા ધ્યાન કેન્દ્ર અને બીજું ત્રીજું જે ધ્યાન શિબિરો ચાલે છે એ વાતમાં કાંઈ માલ નથી. એ બધા મન-વચન-કાયાના કેટલાક પ્રયોગો છે કે જે પ્રયોગોમાં આત્મબુદ્ધિ થઈ જાય છે અને જીવને ઊલટાનું પારમાર્થિક નુકસાન થતું હોય છે. પણ થોડા કાળ માટે મનની ક્ષણિક શાંતિ, મનની જ તે પણ, મનની ક્ષણિક શાંતિ એને લાગે છે ત્યારે એને એમ લાગે છે કે આ પ્રયોગ તો કરવા જેવા છે ને આ પ્રયોગ કરવા જોઈએ. વારંવાર ધ્યાનની શિબિરમાં જાવું જોઈએ. અને આપણે ધ્યાન કરવા માટે આપણા આત્માને કેળવણી આપવી જોઈએ. એ સમજણ વગરની વાત છે. એવી રીતે આત્માનું ધ્યાન તો કદી થતું નથી. બાકી તો કોઈપણ ચીજમાં, કોઈપણ શેય પદાર્થમાં રસ પડે અને બીજી ઇચ્છાની નિવૃત્તિ થાય ત્યારે મનને સહાય, મનને સારું લાગે, મનને ગમે, મનને શાંતિ લાગે, જે કાંઈ કલ્પના કરો તે, એથી કાંઈ આત્મિક સુખ પ્રગટે, આત્માને કોઈ સ્વભાવની શાંતિ પ્રગટ થાય એવું બનતું નથી. પણ પારમાર્થિક એ સારું છે, એ કરવા યોગ્ય છે, એમાં ધર્મ છે, એ કર્તવ્ય છે એમ માનીને શ્રદ્ધાનનું મોટું નુકસાન થાય છે. ગૃહીત મિથ્યાત્વ તીવ્ર થઈ જાય છે, દર્શનમોહની તીવ્રતા થાય છે.
પ્રશ્ન :- આ બધા જે પ્રયોગ ચાલે છે એમાં મનની સ્થિરતા થાય છે ?
સમાધાન :- થોડોક ટાઇમ લાગે, થોડોક ટાઇમ એવું લાગે. એ તો કોઈપણ પ્રયોગ એવો છે. તમને શીખંડ ભાવે છે અને શીખંડ ખવડાવે તો સારું જ લાગે ને ! એમાં શું છે ? એ વખતે તમે કહો કે મને તો ભાઈ સુખ લાગ્યું હતું, તમે ભલે કહો એમાં દુઃખ હોય પણ મને સુખ લાગ્યું એનું શું ? એનો કોઈ ઉપાય નથી. એનો ઉપાય નથી. જીવની કલ્પના છે.