________________
૨૧૮
રાજહદય ભાગ-૫ અનંતાનુબંધીના હોય છે. જેનો રસ તીવ્ર એના પરિણામ ચીકણા. જેના પરિણામ ચીકણા એનો દર્શનમોહ તીવ્ર જ હોય.
એટલે એક જાગૃતિ મુમુક્ષુ જીવે હંમેશને માટે રાખવા જેવી એ છે કે ક્યાંય પણ કોઈપણ ઉદયના પ્રસંગના કાળમાં પરિણામ ચીકણા નહિ થવા જોઈએ. ભલે ગમે તેટલો લાભ થાય અને ગમે તેટલું નુકસાન થતું હોય. ચીકણા પરિણામ નહિ કરવાના. લાળ લંબાવી નહિ જોઈએ. પ્રસંગ થયો, પરિણામ થયા છૂટી ગયું. વાત પૂરી થઈ ગઈ. પણ એથી ચીકાશવાળા પરિણામ નહિ થવા જોઈએ. એ જ જ્ઞાનીની અવસ્થામાં પ્રવેશવાનું દ્વાર છે. અહીંથી દર્શનમોહ મંદ રહે છે.
પ્રશ્ન :- ક્યા પ્રકારની જાગૃતિ હોય ?
સમાધાન :- એના લાભ-નુકસાનનો ખ્યાલ હોય તો. તમે દરકાર ક્યાં કરો છો? કાચનું વાસણ હાથમાં લ્યો અને સ્ટીલનું વાસણ હાથમાં લ્યો એમાં ફેર પડે છે કે નથી પડતો ? આ કાચનું વાસણ છે હાથમાંથી પડશે કે ભટકાશે તો ફૂટી જશે. જેને પોતાના નુકસાનનો ખ્યાલ છે એને દરકાર અને જાગૃતિ આવ્યા વિના રહેશે જ નહિ. પોતાને–આત્માને કેટલો નફો-નુકસાન છે એ આધાર એની સમજણ. ઉપર છે. એના નિશ્ચય ઉપર છે.
મુમુક્ષુ - એ વાત દેખાતી નથી. જ્યાં આગળ ધ્યાન ખેંચો છો ત્યાં...
પૂજ્ય ભાઈશ્રી :- એ તો છે જ. એટલે તો મૂઢતા કહી છે. એ દશાને મૂઢ દશા શા માટે કહી છે ? કે પોતાની મતિ જ મૂંઢાઈ જાય છે. પોતાના નુકસાનને ન જુએ તો મતિ મૂંઢાઈ ગઈ હોય તો જ ન જુએ ને. નહિતર પોતાના નુકસાનને કોણ ન જુએ ? એમ. જે પોતાને જ નુકસાન કરે એ વાતને કોણ ન તપાસે ? કોણ એની દરકાર ન રાખે ? અવશ્ય રાખે જ પોતે. પણ જ્યાં બુદ્ધિ બીડાઈ જાય છે ત્યાં પોતાના નુકસાનની પણ પોતાને ખબર પડતી નથી. એટલા માટે સ્વાધ્યાય છે. સત્સંગ એટલા માટે છે કે કોઈપણ રીતે હળવો થઈને એ માર્ગમાં, પહેલાં માર્ગના દરવાજા સુધી તો આવે. માર્ગમાં પછી આવે પણ દરવાજાની સમીપ તો જાય..
કોઈ પણ પ્રકારનો ઉપાધિપ્રસંગ લખો છો તે, જોકે વાંચ્યામાં આવે છે. તમે તમારી ઉપાધિ અમને જણાવો છો તે જોકે વાંચવામાં આવે છે. તથાપિ તે વિષે ચિત્તમાં કંઈ આભાસ પડતો નહીં હોવાથી અમારા ચિત્તમાં એની કોઈ છાપ જ નથી પડતી.