________________
૨૬૪
ગુજહૃદય ભાગ-૫
સમાધાન :– હા, એમ રુચિ અને રસ સાથે જ કામ કરે છે. અવિનાભાવી હોય છે. છે જુદાં જુદાં ગુણની પર્યાય. રુચિ શ્રદ્ધાના ભેદમાં જાય છે અને રસ જ્ઞાનપૂર્વક ચારિત્રના ભેદમાં જાય છે. પણ સંસાર દશામાં ત્રણે એક સાથે શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રનું ઊંધું કામ જોરથી થાય છે.
અહીંયાં તો ‘શ્રીમદ્જી’એ ૩૩૨માં એટલું જ લીધું છે કે, આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે,...' જેમ જેમ મોહ મટે છે એટલે પોતાપણાની પક્કડ ઢીલી થાય છે એટલી વાત અહીંયાં લેવી. જે પક્કડથી આરંભ પરિગ્રહના પરિણામમાં વર્તે છે, પ્રસંગમાં વર્તે છે એની પક્કડ ઢીલી થાય છે કે આ મને નુકસાનનું કારણ છે, આ જ મને બંધનનું કારણ છે, આ જ મને પરિભ્રમણનું કારણ છે, બહુ મોટું નુકસાન આમાં રહેલું છે. એવું જો એને પરિણામમાં મંદપણું થાય તો મુમુક્ષુતાની વૃદ્ધિ થાય. મુમુક્ષુતાની વૃદ્ધિ થાય તો કોઈ એક તબક્કે જ્ઞાનદશામાં પ્રવેશ થાય. પણ મુમુક્ષુતા જ ન આવે અથવા અલ્પ મુમુક્ષુતા હોય (તો) ત્યાં ને ત્યાં પડ્યો રહે, બહુ ભાગ તો જીવ પાછળ જ જાય છે, આગળ જવાનો પ્રશ્ન હોય તો તો બહુ સારી વાત છે. પણ લગભગ તો જીવ પાછળ જાય છે. સમય જેમ જેમ જાય છે તેમ તેમ.
અહીંયાં ઉપાય બતાવ્યો છે કે મુમુક્ષુતા વર્ધમાન થવા અર્થે અથવા જ્ઞાનદશામાં પ્રવેશ થવા અર્થે પોતાના ઉદયના સંગ-પ્રસંગમાં જે કાંઈ આરંભ પરિગ્રહનો પ્રકાર વર્તે છે તેમાં પોતાપણાના પરિણામ (થાય છે) એનો રસ ઠંડો થઈ જવો જોઈએ. ગમે એટલો લોકો જેને લાભ કહે છે એ પરિસ્થિતિ ઊભી થાય તો એ જ વખતે એમ વિચારે કે આત્મામાં શું આવ્યું ? અને ગમે તે પ્રકારે લોકો જેને નુકસાન થઈ ગયું એમ કહે છે, લૂંટાઈ ગયો આ માણસ (એ વિચારે કે) મારા આત્મામાંથી શું ગયું ? સીધી અવલોકનમાં આવે, તપાસ કરે કે થયું શું આમાં ? તો એનો જે રસ છે એ તીવ્ર ન થાય. અને જેમ જેમ એ મોહ મટે છે એટલે પક્કડ ઢીલી થાય છે તેમ તેમ મુમુક્ષુતા વર્ધમાન થાય છે. સંયોગો ઉપરની પક્કડ એવી ને એવી તીવ્ર રહે પછી) ગમે તે કરે તોપણ એની મુમુક્ષુતામાં કાંઈ ફેર પડતો નથી. એમ કહેવું છે. એ પોતાપણાનું અભિમાન, અનંત કાળના પરિચયવાળું એ અભિમાન છે. એનો ઘણો અનુભવ છે. પરિચય છે એટલે ઘણો ગાઢ પ્રકારનો એનો સંબંધ છે, એ બધા અભિમાનના, પોતાપણાના પ્રગાઢ પરિણામ છે તે પ્રાયે એકદમ નિવૃત્ત થતું નથી.'