________________
પત્રાંક ૩૩૨
૨૬૭
તેથી મમત્વ મટાડવા અર્થે... બહુભાગ તો જીવ લોકોમાં દેખાવ કરવા માટે સમર્પણ કરે છે કે હું આપું છું, હું આપનાર છું એમ લોકો પણ જાણે. વળી ક્યાંક છળ એમ પણ પકડે કે આમાં કાંઈ મારે મારી પ્રસિદ્ધિ નથી કરવી પણ બીજાને પ્રેરણા થાય ને એટલે હું જાહેરાત કરવાનું કહું છું. અંદર બીજી વાત હોય. ભાઈ ! આ કોઈ ચાલાકી કરવાનું ક્ષેત્ર નથી. બુદ્ધિની ચાલાકી કરવાનું આ કોઈ ક્ષેત્ર નથી. એ તો વક્ર પરિણામ થયા. આ તો સરળતાના પરિણામનો માર્ગ છે. હું આપું છતાં લોકો એ જાણીને મને મારી વિશેષતામાં ગણે એમ તો નહિ થવું જોઈએ. આપવાનો પ્રસંગ છે, અપાય છે તોપણ એથી મારી મહત્તા લોકોને વિષે નહિ ગણાવી જોઈએ. કેમકે મહાનતા હોય એની મહાનતા ગણાય તો વ્યાજબી છે, મારામાં તો હજી એવી કોઈ મહાનતા આવી નથી. લોકોની નજરમાં મોટાઈ ગણાય એવી કોઈ મારી-મારા આત્માની સ્થિતિ નથી. એમ સીધું લ્યે તો બચે. એના બદલે લોકસંજ્ઞા પહેલાં ઊભી થઈ ગઈ હોય.
એટલે પોતાપણું ટાળવા અર્થે, પોતાપણાને અહીંયાં અભિમાન કહ્યું છે, હોં ! પોતાપણાનું અભિમાન કહ્યું છે. કેમકે ત્યાં અસ્તિત્વ સ્થાપે છે ને. અસ્તિત્વ નથી છતાં અસ્તિત્વ સ્થાપે છે કે આ મારું છે, એટલે અભિમાન લીધું છે. એ અભિમાનના ત્યાગ અર્થે જ્ઞાની પ્રત્યે સમર્પણ કરવામાં આવે છે. પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી....' જ્ઞાની તો નિસ્પૃહ છે એટલે એને ગ્રહણ કરતા નથી. પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે,...' ભાઈ ! એમાંથી મમત્વ છોડવા જેવું છે. અમારે કોઈ જરૂર નથી. અમે તો બીજો રસ્તો પકડ્યો છે. પણ તમે પણ મમત્વ છોડીને આ રસ્તે આવો. આ રસ્તે આવો એમ નહિ, મમત્વ છોડીને આ રસ્તે આવો, પોતાપણું મટાડીને આ રસ્તે આવો. એમ ઉપદેશે છે. અને કરવા યોગ્ય પણ તેમ જ છે...' જે જ્ઞાની કહે છે એમ જ કરવા યોગ્ય છે પોતાપણું મટાડવા યોગ્ય છે.
કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે... એટલે જે. જે ઉદયના પ્રસંગો અવારનવાર આવે આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં,...' કેવી ભાષા લીધી છે ! ‘કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ પરિગ્રહને વારંવારના પ્રસંગે...' જે તે પ્રસંગે એ જ વખતે અવલોકન કરે કે આમાં મારાપણાનો ભાવ કેમ વર્તે છે. કેવી રીતે વર્તે છે ? કેટલા રસથી વર્તે છે ? એમાં હું નથી છતાં
?