________________
૨૬૬
રાજહૃદય ભાગ-૫
મૂકીને જે સર્વસ્વપણે છે, પોતાના સર્વસ્વપણે છે, બહારમાં તો શાની સર્વસ્વપણે છે. એને તો પોતાને અપેક્ષા નથી, આવશ્યક્તા નથી, જરૂ૨ નથી. ત્યારે તો એ જ્ઞાની થયા છે. મમત્વ રાખીને થયા છે કે મમત્વ છોડીને થયા છે ? એ તો મમત્વ છોડીને થયા છે. એ તો માર્ગના પ્રકાશ અર્થે તેનો- તન-મન-ધનનો કાંઈ ઉપયોગ થતો હોય તો એ સૂચન કરે છે, આંગળી ચીંધે છે. અનેક જીવોને આત્મકલ્યાણના માર્ગે ચઢવાના કોઈ નિમિત્તો ઊભા થાય, નિમિત્તોનું સર્જન થાય તો એવો એ માર્ગ ચીંધે છે કે આ કરવા જેવું છે. અહીંયાં આ છે તો આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, થતું ન થવું એ કુદરતને આધીન છે.
પ્રશ્ન :- ધનનું સમર્પણ તો ખ્યાલમાં આવે છે. તન અને મનનું સમર્પણ કેવી રીતે કરવું ?
સમાધાન :– તનમાં તો પોતાના મન, વચન, કાયાના યોગદાનનો સવાલ છે. કોઈ કહે કે ભાઈ ! પૈસા આપી દઉં પણ મને વખત નથી. મારે ધંધો, વેપાર, કામકાજ એટલા બધા છે તમે કહો તો પાંચ-પચીસ હજાર, લાખ-બેલાખ-પાંચ લાખ લઈ જાવ તમે એનો વાંધો નથી, પણ મારી પાસે વખત નથી, હું આવી નહિ શકું. તો એને ત્યાં તન અને મન બન્ને કામ નથી કરતા. તન-મન-ધન છે એ તો ત્રણ શબ્દ છે. ખરેખર તો પોતે પૂરેપૂરો Surrender થાય છે. જ્ઞાનીના ચરણમાં ગયો એ પૂરેપૂરો ગયો, અધૂરો ન ગયો. તન-મન-ધન એટલે પૂરેપૂરો ગયો એમ એને કહેવું છે. મારી કોઈ સ્વતંત્ર ઇચ્છા નહિ, આપના વિકલ્પ અનુસાર ચાલવું છે. પછી તનથી કહો તો તનથી, મનથી કહો તો મનથી, ધનથી કહો તો ધનથી.
મુમુક્ષુ :- જ્ઞાની કાંઈ કહેતા જ નથી.
પૂજ્ય ભાઈશ્રી :– એ તો આવશે. હવે પછીનો એ જ પત્ર છે કે સત્પુરુષની ઓળખાણ જીવને નથી પડતી તો કેમ પડે ? ૩૩૩ મો પત્ર એ છે.
આ તો એક Side લીધી કે જે આરંભ, પરિગ્રહ અને સંયોગના પ્રસંગમાં પોતે પોતાપણું (કરે છે), અન્ય હોવા છતાં પોતાપણું રાખીને પ્રવર્તે છે એ દર્શનમોહ સહિતની પરપદાર્થ ઉપરની પક્કડ છે. એ પક્કડ તારી ઢીલી થવી જોઈએ. દર્શનમોહ મંદ થયા વિના સ્વરૂપ નિશ્ચય નહિ થાય અને અભાવ થયા વિના અનુભવ નહિ થાય. આ તો ‘ગુરુદેવશ્રી’ નું ૨૦૩ નંબરનું વચનામૃત છે. આરસમાં લગાવ્યું છે.