________________
૧૭૩
પત્રાંક-૩૨૨
પૂજ્ય ભાઈશ્રી - સંયોગ બલદવો છે. એમાં તો રાગ-દ્વેષ થયા વગર નહિ રહે. અને એ રાગ-દ્વેષ, મોહ તો જ્ઞાનીને બંધન કરે એવા છે.
જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે...' હવે પોતાની વાત કરે છે કે જ્યારથી અમને યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે–આત્મજ્ઞાન થયું છે ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે.” આ એમણે આત્મજ્ઞાન થયું ત્યારે પ્રતિજ્ઞા લઈ લીધી છે કે કોઈ પણ રિદ્ધિ, સિદ્ધિ કે વિદ્યાના પ્રયોગથી અમારા સંયોગ સુધારવા કે કોઈ અમારા નજીક હોય જેના ઉપર અમારે જેની સાથે સંબંધ હોય એનો સંયોગ સુધારવો એમ કરવું નથી), મેં તો પ્રતિજ્ઞા લઈ લીધી છે. એટલે એનો જે વિકલ્પ છે કે કાંઈક તમારી પાસે રિદ્ધિ-સિદ્ધિ હોય, કાંઈ વિદ્યા હોય તો કાંઈક અમને અનુકૂળતા થઈ જાય. એના ઉપર બહુ ચોખ્ખા શબ્દોમાં વાત લખી નાખી કે એ તો અમે પ્રતિજ્ઞા લીધેલી છે કે કોઈ વિદ્યા કે રિદ્ધિ-સિદ્ધિના યોગે અમારે પ્રતિકૂળતાઓ ટાળવી અને અનુકૂળતા કરવી, અમારી કે અમારા સંબંધીની, એ અમારે પ્રતિજ્ઞા છે.
અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. અમે ભૂતકાળ તપાસીએ છીએ ત્યારે એ પ્રતિજ્ઞામાં કાંઈ ઢીલા-પોચાપણું પણ ઉત્પન થયું હોય એવું સાંભરતું નથી. અમે એમાં બહુ મક્કમ છીએ. અમે નિર્ણય કર્યો છે પણ એમાં થોડુંક કાંઈક, થોડુંક કાંઈક એમ ઢીલુંપોચું (કરીએ એમ) બિલકુલ નહિ. એ તો સખત છે, બહુ મક્કમ છે આ બાબતમાં. જુઓ ! કેટલી ચોખ્ખી વાત કરી છે કે પોતા સંબંધી કે પરસંબંધી મંદપણું આવ્યું હોય એવું પણ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી.
તમારી ચિંતા જાણીએ છીએ. અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેચવા ઇચ્છીએ છીએ. તમારી ચિંતા એ અમારી ચિંતા, એમ. એનો વાંધો નથી. તમારા પ્રત્યે આત્મીયતા છે એ વાત જરૂર છે. તમારું દુઃખ એ અમારું દુઃખ છે એમ સમજીએ, પણ કોઈ અવળે માર્ગે, ઊલટે માર્ગે ચાલવાનું અમારાથી અને તમારાથી થાય એમ નહિ બને. એટલે તો કહ્યું કે લૌકિકદષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું એ એટલા માટે તો મથાળું બાંધ્યું, તો અલૌકિક દૃષ્ટિએ કોણ પ્રવર્તશે ?