________________
૧૦૨
રાજહૃદય ભાગ-૫ “જીવ પુદ્ગલ એક ખેત અવગાહી દોઉ, અપને અપને રૂપ, કોઉ ન ટરત ” કોઈ પોતાનું રૂપ છોડતું નથી, ટાળતું નથી. એક ક્ષેત્રે રહેવા છતાં જીવ પુદ્ગલ રૂપે થતો નથી. પુદ્ગલ જીવ રૂપે થતા નથી. લોકોની અંદર બોલાય છે એમ કે, ભાઈ ! આ જીવતું શરીર છે અને આ મડદું છે. શું બોલાય છે ? આ જીવતું શરીર છે અને આ મડદું છે, જીવ વિનાનું છે. તો એ સંયોગ જીવનો છે અને સંયોગ જીવનો નથી એટલું ત્યાં સમજવાનું છે. પણ શરીર જીવતું છે એમ સમજવાનું નથી. શરીર તો મડદું જ છે. જીવ જ્યારે સંયોગમાં છે ત્યારે શરીર મડદું જ છે. ત્યારે શરીર કાંઈ જીવતું નથી. પણ માણસ તકે કરે છે કે, જ્યારે સંયોગમાં જીવ છે ત્યારે શરીર બહુ સારું દેખાય છે. જ્યારે શરીરમાં જીવ નથી ત્યારે શરીર બિહામણું દેખાય છે, સારું નથી દેખાતું, વિકૃત દેખાય છે અથવા વિકૃત થઈ જાય છે. માટે નક્કી કાંઈક જીવ અને પુદ્ગલને એકબીજાનું રૂપ આપવાનું કારણ હોવું જોઈએ. અહીંયાં એની ના પાડે છે કે બંને એક ક્ષેત્રે રહેલા હોવા છતાં કોઈ પોતાના રૂપથી ટળતું નથી, કોઈ પોતાનું રૂપ છોડીને બીજામાં જાતું નથી, બીજારૂપે થતું નથી.
જડ પરિનામનિકો, કરતા હૈ પુદ્ગલ' કરતા હૈ પુદ્ગલ. જડ પરિણામને તો પુદ્ગલ જ કરે છે. પુદ્ગલ પોતે જ જડના પરિણામને કરે છે. જોયું ? ઈચ્છા અને અનિચ્છાનો સવાલ નથી અહીંયાં. જડને ક્યાં ઇચ્છા છે કે હું આવી રીતે થાઉં, પણ એ પ્રશ્ન નથી. એ કુદરતી જ બને છે. પાણીમાંથી વરાળ થઈ. આ વાદળા થયા. તો પાણીના પરમાણુ વાદળારૂપે સ્વયં થયા છે. કોઈએ બનાવ્યા નથી, કોઈ કરવા નથી ગયું. તેમાં પાણીના પરમાણુની ઈચ્છા નથી કે હું વાદળું થાઉં. વાદળું વરસે છે અને નથી વરસતું એમાં એને કાંઈ ઈચ્છા નથી. ન ઇચ્છા થાય ત્યારે ન વરસે અને ઇચ્છા થાય ત્યારે વરસે એવું નથી. વરસવા યોગ્ય પરિસ્થિતિમાં વરસી જાય. ન વરસવા યોગ્ય પરિસ્થિતિમાં પોતે જ નથી વરસતું. એ પરિસ્થિતિ પોતાની પોતે જ કરે છે. કોઈ એની ઇચ્છાથી, કોઈની ઇચ્છાથી કાંઈ થાતું નથી. એટલે જડ પરિણામનો કર્તા પુદ્ગલ છે.
ચિદાનંદ ચેતન સુભાવ આચરતુ હૈ: ચિદાનંદ એવો આત્મા છે એ ચૈતન્ય સ્વભાવે આચરણ કરે છે નામ પરિણમન કરે છે. એવો એનો સાદો અર્થ છે.