________________
૧૬૮
ચજહૃદય ભાગ-૫ અનેક પણ છે. શુદ્ધતા છે અને અશુદ્ધતા પણ છે. અસ્તિ પણ છે અને નાસ્તિ પણ છે. તો ધાકડે ધાકડ માનવાનો અર્થ શું છે ? પરસ્પર વિરુદ્ધ વાતો પણ અવિરુદ્ધપણે સ્વીકારી છે કે નહિ, એનું નામ બરાબર માન્યું છે. અને એમ સમજીને માને એને ઓઘસંજ્ઞા નથી રહેતી. નહિતર તો એમનેમ માને છે એ ખરેખર એને માનતો નથી. બહુ સમજણનો માર્ગ છે, સમજણપૂર્વક ચાલવાનો માર્ગ છે. એમ ને એમ ઓઘેઓઘે ચાલવાનો આ માર્ગ નથી.
મુમુક્ષુ :- બુદ્ધિથી ગ્રહણ કરવું સમ્યફ છે કે હૃદયથી માનવું સમ્યક છે ?
પૂજ્ય ભાઈશ્રી - બુદ્ધિ વગર હૃદયથી સ્વીકારવાની વાત કેવી રીતે આવે ? જે વાત સમજવામાં જ ન આવી હોય. પોતાને સમજાણી હોય એમાં હૃદયથી માની લેવાનું કેવી રીતે બને ? જે વાતમાં પોતાને સમજણ ન હોય, સમજતા જ ન હોય એ હૃદયથી કેવી રીતે માને ? એટલે એ ઓઘસંજ્ઞામાં ચાલ્યું જશે. અને બુદ્ધિ નકાર કરે તો પોતે ક્યાં, કેવી રીતે સંમત થતો નથી, એમાં શું ખામી છે, શું ક્ષતિ છે, શું ભૂલ છે એ પોતાને વિચારવું પડે છે.
આપણા કોઈ ઝવેરી સંબંધી હોય, વેવાઈ હોઈ, મિત્ર હોઈ, ઘરે આવીને એમ કહે કે ભાઈ ! આ અમારા પૂર્વજોના દાગીનામાં આ જે હીરો છે એ હીરો અત્યારે મળતો નથી. બજારમાં આવો માલ હજી કયાંય જોયો નથી. અમારી જિંદગીમાં આવો માલ અમે જોયો નથી. આ તો બહુ કિમતી ચીજ છે. તો માની લેશે. માનશે એમ નહિ, એનું બરાબર રક્ષણ કરશે, એને સુરક્ષિત જગ્યાએ મૂકી દેશે કે રખે કોઈ આમાં લૂંટફાટથી ચોરી થઈ જાય નહિ. પણ એ હીરાને પોતે ઓળખે, એનું તેજ પોતે ઓળખે અને પોતાના સંબંધીના કહેવાથી માન્યું છે એમાં કેટલો ફેર ? એટલે પોતે જે સમજે છે અને એની જે કિમત આવે છે એ જ યથાર્થ છે.
અન્યમતમાં એ વિષય બહુ આવે છે. ક્યાંય માથાકૂટમાં ઊતરવું નહિ, હૃદયથી સમર્પિત થઈ જવું, હૃદયથી પૂરી ભક્તિવશ થઈ જવું, હૃદયથી પૂરું સમર્પણ કરવું. અન્યમતમાં ભાવુકતાનો વિષય ઘણો આવે છે. જૈનદર્શનમાં એ વાત નથી. એકાંત આજ્ઞાપ્રધાનને ખરેખર શિષ્ય જ નથી કહ્યો. જૈનદર્શનમાં આ ચર્ચા કરી છે. પરીક્ષાપ્રધાનીને ખરો શિષ્ય કહ્યો છે. ટોડરમલજીએ આ ચર્ચા કરી છે, “મોક્ષમાર્ગ પ્રકાશકોમાં ચર્ચા કરી છે.