________________
પત્રાંક ૩૧૩
૬૧
કરી લેવું એ જે હિંમત હતી. મોટાભાગના હિંમત હારી જાય છે. જ્યાં સંયોગો નબળા પડે ત્યાં હિંમત હારી જાય.
મુમુક્ષુ :– જ્ઞાનીની આજ્ઞાએ ચાલવાનો અદ્ભુત નિશ્ચય.
પૂજ્ય ભાઈશ્રી :– જ્ઞાનીની આશાએ ચાલવાનો અદ્ભુત નિશ્ચય એ તો બહુ મોટો ગુણ હતો એમનો. એટલે (કહે છે) ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ...' જુઓ ! કૃપાળુદેવ'ને પોતાને સત્સંગ કરવા યોગ્ય લાગતા હતા તો, બીજા મુમુક્ષુઓને માટે એ વાત સમજાવવાની જરૂર રહેતી નથી. છેલ્લે છેલ્લે ‘અંબાલાલભાઈ'ને તો, ‘અંબાલાલભાઈ’ની યોગ્યતા બહુ સારી હતી. તોપણ, અંબાલાલભાઈને એની સેવામાં મોકલ્યા છે કે એમના આયુષ્યના છેલ્લા દિવસો છે, તમે એમની સેવામાં રહો. માત્ર સેવા કરવા નહોતા મોકલ્યા. ‘કૃપાળુદેવ’ બહુ વિચક્ષણ હતા. તમે ત્યાં રહો, તેમના પરિચયમાં રહો, તેમના અંતર પરિણમનને, તેમની યોગ્યતાને સમજો, તમારા આત્માને લાભ થશે. સેવા તો એક સાનિધ્યનું બહાનું છે. ખરેખર તો સૂત્ર જેવો વિષય છે. સેવા તો એક સાન્નિધ્યનું બહાનું છે એ બહાને– એ નિમિત્તે સાન્નિધ્ય મળે છે અને સાન્નિધ્ય મળતા એને અંતર પરિણમનનો પરિચય થાય છે. બાહ્ય કાર્ય છે એનું આ અંતર રહસ્ય છે. અને એ પરંપરા જ્ઞાનીઓના વખતની બહુ જૂની ચાલી આવે છે. પાત્રતા અવશ્ય જોઈએ. સેવામાં રહેનારની પાત્રતા અવશ્ય જોઈએ. નહિતર જ્ઞાનીના સમીપમાં રહેવું એ એટલા જ મોટા નુકસાનનું કારણ થઈ પડતા વાર ન લાગે. કેમકે એને ઉદય અને ઉદયભાવ બને છે અને એ સ્થૂળ છે, પેલું સૂક્ષ્મ છે. વળી ગાડી ઊંધી ચાલી જાય. નુકસાન પણ એટલું જ મોટું થાય. એટલે એ વાત જરાક પાત્રતા તો જરૂર માગે છે. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ'
મુમુક્ષુ :– પાત્રતા કેવા પ્રકારની ?
પૂજ્ય ભાઈશ્રી :– પાત્રતાનું એક જ માપદંડ છે કે પોતાને પોતાનું આત્મકલ્યાણ અને આત્મશાંતિ પ્રાપ્ત કરવાની ગરજ કેટલી છે ? આ એક જ એનું માપદંડ છે. જેટલી ગરજ વધારે, જેટલી ગરજ વિશેષ એટલી પાત્રતા પણ વધારે અને વિશેષ.