________________
પત્રાંક–૩૧૪ - પૂજ્ય ભાઈશ્રી - નહિ, નહિ. એક વાર થયેલા દોષોનો અત્યંત પશ્ચાતાપ થાય છે પછી એ દોષની નિવૃત્તિ સંભવિત છે. નહિતર થયેલા દોષોનું અનુમોદન અને એનો આસવ ચાલુ છે. નળનો કોક ખુલ્લો છે, પાણી ચાલ્યું જ જાય છે, એમ છે. આચરણના અધિકારમાં પ્રાયશ્ચિતનો જે વિષય ચાલે છે એ એમ સંકેત કરે છે કે જે મુનિઓને, ધર્માત્માઓને ત્રણ કષાયનો અભાવ થઈ ગયો છે, પ્રચુર સ્વસંવેદન અને સ્વરૂપ સ્થિરતામાં જે બિરાજમાન છે, એવા મુનિઓ અલ્પ ચારિત્રનો દોષ થાય તો પણ ગુરુ પાસે એનું પ્રાયશ્ચિત માગે છે. એ એમ બતાવે છે કે જેને તીવ્ર દોષ થયા છે અને કેટલો પશ્ચાતાપ થાય તો એ દોષ નિવૃત્તિ થવા માટે એની તૈયારી અંદરમાં આત્મામાં થાય.
કાચો રંગ છે એને ધોવા માટે પણ આટલી મહેનત કરે છે તો જેને વર્ષોનો લાગી ગયો છે, જામી ગયેલો કાટ છે, જામી ગયેલો કચરો છે, જામી ગયેલી ગંદકી છે, જામી ગયેલો રંગ છે, કાળો મશ જેવો, પેલો તો આછો રંગ છે તોપણ આવો પશ્ચાતાપ કરે છે. તો જેને કાઢવો છે એને કેટલો પશ્ચાતાપ અને કેટલું એને અંદરથી થાવું જોઈએ. એટલે બે શબ્દ વાપર્યા. અધમ શબ્દ ન વાપર્યો, અધમાઅધમ શબ્દ વાપર્યો.
મુમુક્ષુ :- આ દિગંબરો માટે છે.
પૂજ્ય ભાઈશ્રી :- નહિ, આ બધા માટે, બધા તમામ મિથ્યાષ્ટિને લાગુ પડે છે. જે જીવને પોતાને શુદ્ધ થવું છે એ બધાને લાગુ પડે છે. દિગંબર, શ્વેતામ્બર કોઈ અહીંયાં નથી. અહીંયાં તો બધા આત્મા જ છે. “આનંદઘનજીનું તો પદ ચાલે છે.
મુમુક્ષુ :- જે સાચા દેવ-શાસ્ત્ર-ગુરુ મળ્યા, સાચા સન્દુરુષ મળ્યા ત્યાં આ જીવ કાંઈ નથી કરતો. તો એને કેવી રીતે આત્મા ભળે ?
પૂજ્ય ભાઈશ્રી :- હા, તો અધમાઅધમ જ થયો ને એ તો ! મળ્યા છતાં નથી કરતો.
મુમુક્ષુ – એટલા માટે વિશેષ લાગુ પડે છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. વિશેષ લાગુ પડે છે. એ તો દરેકે પોતા ઉપર વિશેષ જ લેવું પડે. જે હોય એ, ગમે ત્યાં ઊભો હોય, એણે એમ જ લેવું પડે કે હું અધમાઅધમ છું. એ વગર મારા દોષ કેવી રીતે ટળશે ? પરિપૂર્ણ નિર્દોષ થવું છે એનો અર્થ શું ?