________________
૪૮
ચજહૃદય ભાગ-૫ પુરુષ છે. એ તો લખે છે ને કે, ભગવાન મહાવીરનો માર્ગ પ્રવર્તાવવો હોય તો અત્યારે કોઈ વિદ્યમાન હોય તો અમે છીએ.” એ કાંઈ એમનેમ અદ્ધરથી ગાંડપણમાં નથી લખ્યું. પોતાની શક્તિના માપનો ખ્યાલ છે એમને અને લખ્યું છે. કે અત્યારે માર્ગ પ્રવર્તાવી શકે એવા હોય તો અમે છીએ. ગૃહસ્થમાં રહ્યા છીએ એટલે અત્યારે સર્વસંગ પરિત્યાગ કર્યા વિના એ પ્રવૃત્તિ નહિ કરીએ એમ વિચારી લીધું.
મુમુક્ષુ – ભાવના, પાત્રતા, જિજ્ઞાસા આવવા છતાં કુસંગ જાતો નથી.
પૂજ્ય ભાઈશ્રી :- હા, એ કુસંગ હતો તો એ કુદરતી પહેલેથી હતો. આ બધું તો પાછળથી થયું, પેલું તો પહેલેથી હતું. સંબંધ તો જલ્દી છૂટે નહિ માણસને. સંબંધ છોડવામાં તકલીફ પડે છે. સંબંધ જલ્દી છૂટે નહિ.
પ્રશ્ન :- એમને જ્ઞાની માનતા હતા ?
સમાધાન :- હા, વિશ્વાસ હતો, વિશ્વાસ હતો. ડુંગરભાઈ ઉપર, ડુંગરભાઈની વાત ઉપર એમને વિશ્વાસ હતો. આ એક તકલીફ હતી. હવે જો સીધું કહે તો નુકસાન થવાનો સંભવ હતો. કુંભાર ઘડે ટપલું મારે પણ તડ ન પડવી જોઈએ ક્યાંય. માટલું તડવાળું રહી જાય તો પાણી ભરવા માટે નકામું થશે. Lickage રહી જાય, પછી કેવી રીતે કરે ? માટીના વાસણને) પાકી ગયા પછી કાંઈ એને રેણ થાય નહિ. એ તો ખલાસ થઈ ગયું. તડ ન પડવી જોઈએ. એવી રીતે ઘડતર કર્યું છે એ બહુ મોટી વાત છે.
મુમુક્ષુ :- અમારા ખ્યાલમાં એમ આવે છે કે સોભાગભાઈને કુસંગ હતો એટલે એણે પોતે સંભાળ્યા હતા. બીજા ભાઈઓને કુસંગ નહોતો અને અસત્સંગ હતો.
પૂજ્ય ભાઈશ્રી :- નહિ એવું કાંઈ નથી. બીજાને સંભાળ્યા તો છે જ. પણ યોગ્યતા આમની વિશેષ હતી. એમાં કાંઈ શંકા નથી. પામ્યા તો એ પામ્યા છે. અને પહેલેથી એમના પ્રત્યે આદર છે એ એની યોગ્યતા જોઈને જ છે. યોગ્યતાનો વિષય થોડોક ઊંડો છે અને ગંભીર છે. એકલી ઉપર ઉપરની પરિસ્થિતિ એમાં નથી જોવાતી. બહુ ઝીણો વિષય છે. ખાલી કુસંગ છે એના ઉપરથી યોગ્યતા નથી જોવાતી. એને એ સંગવાળા પ્રત્યે બહુમાન કે શ્રદ્ધા છે વિશ્વાસ છે એટલું નથી જોવાતું. જ્ઞાન એથી ઊંડે જઈને જુએ છે, એમ વાત છે. એટલે એ રીતે નથી જોવાતું. સ્થૂળ ગણિતનો વિષય નથી. મોટી વાત નથી, જાડી વાત નથી, ઝીણી વાત છે.