________________
તે મુનિ જે રૌદ્ર ધ્યાનમાં આરૂઢ હતા. તેમણે મનમાં ને મનમાં પોતાના શત્રુઓ સાથે સંગ્રામ માંડ્યો હતો અને તે સમયે જો તે કાળધર્મ પામે તો નરકગામી થાત. મનમાં ને મનમાં શત્રુઓ પર પ્રહાર કર્યા પછી શસ્ત્રો ખૂટી જતાં પોતાના મસ્તક પર હાથ મૂક્યો. પોતાના લોચ કરેલા મસ્તકનો ખ્યાલ આવતાં તેઓએ જે પશ્ચાત્તાપ કર્યો અને પછી શુભ ધ્યાનમાં આરૂઢ થયા. આથી હવે જો તે કાળધર્મ પામે તો સર્વાર્થ સિદ્ધિએ જાય.” રાજએ મુનિની પ્રવજ્યાનું કારણ પૂછ્યું : ભગવાને વિગતે વાત કહી :
પોતનપુર નામના નગરમાં સોમચંદ્ર નામે રાજા હતો. એની રાણીનું નામ ધારિણી. એક વખત રાજારાણી મહેલે બેઠાં હતાં તે સમયે રાજાના મસ્તકમાં સફેદ વાળ જોઈ રાણીએ કહ્યું. “દેવ, જુઓ કોઈ દૂત આવ્યો છે. રાજાએ આમતેમ જોયું પણ કોઈ દૂત જણાયો નહિ પણ રાણીએ સફેદ વાળ બતાવી કહ્યું, “જુઓ આ યમનો દૂત” રાજાએ કહ્યું, “અરે, મારા પૂર્વજો માથામાં સફેદ વાળ આવે તે પહેલા જ રાજગાદીનો ત્યાગ કરી વનમાં જતા. હું પણ મોહમાયામાં ફસાયેલો છું. શું કરું? કુમાર પ્રસન્નચંદ્ર હજુ બાળક છે. તું જો તેની સંભાળ રાખે તો હું વનવાસી બનું. રાણીએ કહ્યું: “હું તો તમારી સાથે વનમાં આવવા ઇચ્છું છું. કુમાર ભલે નાના હોય, રાજપુરુષો એની સંભાળ રાખશે.”
રાજા-રાણીએ નિશ્ચય કરી રાજગાદી પર કુમારને સ્થાપી તાપસી દીક્ષા ધારણ કરી જંગલમાં રહેવા લાગ્યાં. રાણી ઈંધણ લાવતી, ગાયના છાણથી ઝૂંપડી લીપતી. રાજા વનમાંથી ચોખા લાવતા આ રીતે બંને તપ કરતાં પોતાના દિવસો પસાર કરવા લાગ્યાં.
વનમાં ગયા પછી થોડા સમયમાં રાણીને ગર્ભવતીનાં લક્ષણો દેખાયાં. રાજાએ કારણ પૂછતાં રાણીએ કહ્યું, “ગૃહસ્થાશ્રમમાં જ હું ગર્ભવતી હતી પરંતુ દીક્ષામાં અંતરાય થાય એટલે આ વાત છુપાવી હતી. ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ પુત્રજન્મ આપ્યો પરંતુ રાણી મૃત્યુ પામી. જન્મેલા બાળકને વલ્કલના વસ્ત્રમાં લપેટવામાં આવ્યું. આથી પિતાએ તેનું નામ “વલ્કલગીરી રાખ્યું. વનમાં પુત્ર મોટો થવા લાગ્યો. પશુઓ સાથે રમતો. પિતાની ચાકરી કરતો, ભણતો એ બાળક ધીમેધીમે યુવાનીમાં પ્રવેશ્યો. સંસારની ગતિપ્રણાલિકાથી અજાણ બ્રહ્મચારીને સંસારની કશી જ ખબર નહોતી.
પિતાની ગાદીએ આવેલ પ્રસન્નચંદ્ર મોટો થયો. સુખેથી રાજ્ય કરતો
46* જૈન રાસ વિમર્શ