________________
ચંદ્રગતિએ બીજા વિદ્યાધરોને બોલાવી જનકરાજાને ધમકી આપી કે જો રામ દેવતાઓથી અધિષ્ઠિત થયેલું ધનુષ્ય ઊંચકીને તેના પર બાણ ચડાવશે તો જ સીતાને પરણી શકશે, નહિ તો બળજબરીથી સીતાનું હરણ કરશે. સીતા સાથે વરવા ઘણા રાજાઓ ત્યાં આવ્યા હતા પરંતુ બાણનો સ્પર્શ કરતાં દાઝી જતા હતા. રામે ક્ષણવારમાં ધનુષ્ય ચડાવ્યું. ધરતી ધ્રૂજી ઊઠી.
રામે ધનુષ્ય ચડાવ્યું આથી સીતા અત્યંત હર્ષ પામ્યાં. વિદ્યાધરોએ પણ રામની ગુણશક્તિ જોઈ પોતાની અઢાર કન્યા રામ સાથે પરણાવી ત્યાર બાદ ભામંડલને જાતિસ્મરણ જ્ઞાન થતાં જાણ્યું કે સીતા સગી બહેન છે. ખૂબ પશ્ચાત્તાપ થયો. પિતા ચંદ્રગતિને વાત કરી. ચંદ્રગતિને બહુ દુ:ખ થયું. સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. ભામંડલને ગાદી સોંપી દીક્ષા લીધી.
જૈનપરંપરા પ્રમાણે દશરથને ત્રણ રાણી છે એમાં અપરાજિતાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને કૈકયીથી ભરત અને શત્રુબ એમ ચાર પુત્રો છે. વૃદ્ધાવસ્થા આવતાં દશરથ રામને ગાદી સોંપી દીક્ષા લેવાનો વિચાર કરે છે ત્યારે કૈકયી દશરથની પાસે બે વરદાન માગી લે છે (૧) ભરતને રાજગાદી મળે (૨) રામને વનવાસ મળે. આથી દશરથને બહુ દુઃખ થયું. ભરતે ગાદી સ્વીકારવાની ના પાડી. રામ-સીતા-લક્ષ્મણ વનમાં જવાનો નિશ્ચય કરે છે.
રામ, લક્ષ્મણ, સીતા ઘર છોડે છે ત્યારે શોક કરતી માતાને આશ્વાસન આપતાં રામ કહે છે કે માતા પરિતાપ ન કરશો અમે જ્યાં જઈશું ત્યાં નગર વસાવી તમને તેડાવીશું:
રામ કહઈ તડે માતજી રે, અતિ મ કરિસ્યઉ કાઈ: નગર વસાવી તિહાં વડઉ રે, તુમહનઈ લેસ્યાં તેડાયો રે.
વાલ્મીકિમાં દશરથ રામનો વિલાપ જોવા મળે છે જ્યારે અહીં સ્વસ્થ દશરથને વૈરાગ્ય આવતાં દીક્ષા લેવાનો વિચાર કરે છે.
વનમાં ફરતાં-ફરતાં દસપુરનગરમાં રામ આવી પહોંચે છે. દસપુરના ન્યાયી રાજા વજાંઘને અવંતીના સિંહોદર સાથે યુદ્ધ થયું છે. લક્ષ્મણ સિંહોદરને પરાજિત કરી બન્નેને સુલેહ કરાવી આપે છે. આગળ જતાં એક રાજકુમાર મળે છે. ખરેખર તો રાજકુમારના વેશમાં તો વાલિખિલ રાજાની કુંવરી હતી. વાલિખિલને મ્લેચ્છ રાજા પકડી ગયા હતા. આથી પુરુષ વેશમાં કુંવરી રાજ્ય સંભાળતી હતી. લક્ષ્મણે મ્લેચ્છ રાજા સાથે યુદ્ધ કરી વાલિખિલને છોડાવ્યો.
58 * જૈન રાસ વિમર્શ