________________
યમ, વરુણ અને અગ્નિને સ્થાને જૈનપરંપરામાં માનવજન્મનાં જીનધર્મનાં પાલન અને શુદ્ધ સંયમી જીવનમાં વ્રતતપાદિ દ્વારા દેવત્વને વરેલાં નિષધદેવ, પિંગળદેવ, વિમળમતી દેવ તથા ધનદેવ આદિ દેવોની કથા છે.
મહાભારતની ઉપાખ્યાન તરીકે આવતી નલકથા શોકમગ્ન યુધિષ્ઠિરને ‘સમયતિ બલવાન’નો બોધ આપવા અને જુગટુંના અનિષ્ટથી અવગત કરાવવાના આદેશ સાથે રચાય છે જ્યારે મૂળ નળકથામાં પોતાના ધર્મની આવશ્યકતા અને નિજી પ્રતિભાના સંસ્પર્શથી જૈનકર્મીઓએ સમયાંતરે ફેરફારો અને ઉમેરણો કર્યાં છે. આ ફેરફારો પાછા કલાવિધાનથીયે વિશેષ તો જૈનધર્મની આચારસંહિતાઓ, તેના નીતિ-નિયમો – મૂલ્યોનો, સચ્ચરિત્ર સ્ત્રી-પુરુષનાં પુણ્યવંતશીલનો મહિમા કરી ઉદાત્ત શીનિર્માણનો સમાજને બોધ કરાવવાનો જૈન કવિઓનો ઉન્નત અને કલ્યાણકારી શુભાશય રહેલો છે.
સમયસુંદરરચિત નલદવદંતીરાસ ઋષિવર્ધન, ગુણવિનય તથા અજ્ઞાત કવિ જેવા પુરોકાલીન કવિઓની નળપરંપરાથી કદમાં મોટો છે. અન્ય કવિઓએ નલદવદંતીના પછીના ભવની કથા સંક્ષેપમાં આલેખી છે જ્યારે સમયસુંદરે મૂળ સંસ્કૃત અને પ્રાકૃત ગ્રંથો અનુસરીને નલદવદંતીની કથાને વિસ્તારપૂર્વક, તેમાં આવતા વિવિધ રસોને બહેલાવી બહેલાવીને કથા આલેખી છે. આ પછીના ભવની કથામાં સમયસુંદરે નલદવદંતી રાસનો ઢાલ, કડી અને દુહાનો સૌથી મોટો એવો ખંડ ખર્ચો છે પણ સર્જકનો આ પ્રયાસ પણ કૃતિ સંદર્ભે તો સર્વથા ઉપકારક જ રહ્યો છે. કારણ કે આ પ્રસ્તારને સંતુલિત ક૨વા સમયસુંદરે કૃતિમાં જ્યાં-જ્યાં અવકાશ મળ્યો ત્યાં જે-તે કથાપ્રસંગો લાઘવથી આલેખી દીધા છે. અલબત એમાં પણ કંઈક ખૂટતું હોવાનો રસભંગ થયાનો ભાવ લગીરેય વરતાતો નથી અને કથાની પ્રવાહિતા કે સાહજિક સરળતાને હાનિ થતી નથી કે કવિપ્રતિભા જ કૌશલ્ય છે.
આમ સમયસુંદરકૃત નલદવદંતી રાસ તેનાં નખશિખ સુંદર અને કલાવિધાન, કલાગત સૌંદર્ય શાસ્ત્રીય દૃષ્ટિએ સર્જકોચિત્ત તાટસ્થ્ય પ્રાસાદિક, માધુર્યપૂર્ણ છતાં વિવેકભાનથી યુક્ત એવી ભાષાશૈલી અને ખાસ તો પ્રાચીન, મધ્યકાલીન યુગથી માંડી આજે આધુનિક અનુઆધુનિક (Modern-Port Modern) પણ જેને કવિઓએ મનભરી આલેખ્યું છે. તે નળદમયંતીના ઉદાત્ત કથનને કારણે પ્રશિષ્ટ કૃતિ બનવા પામી છે.
નલદવદંતિ રાસમાં શાશ્વત અને સનાતન એવાં સાંસ્કૃતિક મૂલ્યો છે.
નલદવદંતી રાસ * 79