________________
પાતાળમાં મોટું વિસ્તારવાળું વન દેખાયું. રાજાની સાથે ધેર્ય, ધર્મ, પુણ્ય અને પુરુષાર્થ ચાર મિત્રો હોવાથી નિઃશંકપણે આગળ વધવા લાગ્યો. તેવામાં કોઈ કન્યાનો કરુણ સ્વર તેને કાને પડ્યો. તે અવાજની દિશામાં આગળ વધ્યો
ત્યાં એક યોગી ધ્યાનમાં બેઠો હતો. તેની આગળ કુસુમ, ધૂપાદિ સામગ્રી પડી હતી. સમીપમાં અગ્નિકુંડ હતો. તેમાં અગ્નિ પ્રજ્વલિત હતો. કુંડની નજીકમાં એક ઉઘાડી તલવાર પડી હતી. બીજી બાજુ મજબૂત રીતે બાંધેલી એક કન્યા બેઠી હતી. તે કરુણસ્વરે રુદન કરી રહી હતી. રાજાને જોતાં જ તે બોલી ઊઠે છે કે “હે આભાપુરીના ભૂપતિ! આ કન્યાની વહાર શીઘ કરો, નહિ તો આ યોગી અગ્નિકુંડમાં મારું બલિદાન દેશે!” પોતાના નામ સહિત બાળાએ ઉચ્ચાર કરતાં રાજાએ ખડગ ઉપાડી પેલા યોગીને બોલાવી કહ્યું, “અરે નિર્દય! નિર્લજજ! પાપી! દુષ્ટાત્મા! ઊઠ, ઊભો થા. આ નિર્દોષ બાળાને છોડી દે અને મારી સાથે યુદ્ધ કર. હવે આ કન્યાનું બલિદાન તો નહિ જ દેવાય પણ હું તને જીવતો નહિ છોડું.” રાજાના આવા શબ્દોથી ભયભીત બનેલો યોગી ઊભો થઈને, માત્ર કોપીનભેર, મુઠીઓ વાળીને ત્યાંથી ભાગી છૂટ્યો. રાજાએ યોગી જાણી તેનો પીછો ન પકડતાં તેને જવા દીધો.
ત્યાર બાદ કન્યાનાં બંધન છોડી આદરપૂર્વક તેને પૂછ્યું કે, “હે નિરુપમ રૂપવાળી રાજપુત્રી! તમે કયા રાજાનાં પુત્રી છો? અહીં આ યોગી પાસે કેમ આવી ચડી? આભાપુરીના રાજાને તું કેવી રીતે ઓળખે? આ બધી વાત મને જરાય ભય રાખ્યા વગર કહે. ત્યારે લજ્જા સહિત મુખકમળ નીચું રાખીને મર્યાદાપૂર્વક તે બોલી કે “આભાપુરીથી પચ્ચીસ યોજન દૂર પાપુરી નામે નગર છે. ત્યાં પદ્મશેખર રાજા છે, રતિરૂપા નામે પટરાણી છે. તેની ચંદ્રાવતી નામે હું પુત્રી છું. જૈન ધર્મ મને પ્રિય છે તેથી તેનું આરાધન કરું છું. હું યુવાન બની એટલે મારાં માતા-પિતાને મારા લગ્ન સંબંધી ચિંતા થઈ. એક નિમિત્તિયો આવતાં તેને મારાં લગ્ન સંબંધી પૃચ્છા કરી. તેણે કહ્યું કે આભાપુરીના રાજા તમારી પુત્રીના પતિ બનશે. આ જાણી અમે રાજી થયાં અને નિમિત્તિયાને યોગ્ય પુરસ્કાર આપી વિદાય કર્યો. એક વાર નદીકિનારે સખીઓ સાથે જળક્રીડા કરવા ગઈ હતી ત્યારે આ યોગી ત્યાં આવ્યો. તેણે ઈન્દ્રજાળ વડે મને મોહ પમાડી, મારું અપહરણ કર્યું. ત્યાંથી આ વાવમાં લાવી યજ્ઞ કરવા બેઠો. આપે મને સંકટમાંથી છોડાવી એટલે હું આપને ઓળખી ગઈ કે પતિ વિના પ્રાણ સંકટમાંથી કોણ છોડાવે?”
188 * જૈન રાસ વિમર્શ