________________
જાય છે અને આંબાની બખોલમાં છાનોમાનો બેસી સાસુ-વહુની સાથે વિમળાપુરી પહોંચે છે. રસ્તામાં વીરમતી ગુણાવળીને ગંગા-યમુના નદી, સમેતશિખરજી, વૈભારગિરિ, અર્બુદાચલ અને સિદ્ધાચલ તીર્થનાં દર્શન કરાવે છે. અહીં સાસુ-વહુ લગ્નોત્સવ જોવા નગરમાં જાય છે અને રાજા પણ વિમળાપુરમાં પ્રવેશ કરે છે. અહીં પ્રથમ ઉલ્લાસ સમાપ્ત થાય છે.
બીજી ઉલ્લાસની પ્રથમ ઢાળમાં દુહાઓ દ્વારા પ્રથમ તો સોળમાં જિનેશ્વર શ્રી શાંતિનાથ ભગવાનનું સ્મરણ કરી ઉલ્લાસની શરૂઆત કરવામાં આવે છે. વીરમતી અને ગુણાવળીની પાછળ પાછળ ચંદરાજા પણ નગરમાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાં જ સેવકો તેમને નામથી આવકાર આપે છે. આથી ચંદરાજા આશ્ચર્ય પામે છે. સેવકોને સમજાવે છે કે પોતે ચંદ નથી છતાં સેવકો તેને ચંદરાજા તરીકે ઓળખીને રાજા પાસે લઈ જવા તૈયાર થાય છે. ચંદને પણ થાય છે કે સેવકો માનતા નથી, પારકા દેશમાં વળી પંચાત થશે માટે લાવ સીધો રાજાને જ મળી લઉં. તે રાજાને મળવા જાય છે ત્યાં સિંહરથ રાજા, તેનો કપટી પ્રધાન હિંસક, પુત્ર કનકધ્વજ, ધાવ માતા કપિલા વગેરે હાજર હતાં. ચંદરાજાના પ્રશ્નના ઉત્તરમાં પ્રધાન હિંસક કહે છે કે અમારું રાજ્ય ઘણું સમૃદ્ધ છે, પ્રજા ઘણી સુખી છે. બધા પ્રકારનાં સુખ છે પરંતુ અમારા કુંવર કનકધ્વજ કુષ્ટી છે. અમે તેના વિવાહ પ્રેમલાલચ્છી સાથે કર્યા છે. પરંતુ રાજાને કે કુંવરીને અમારા યુવરાજ કુષ્ટી છે તેની ખબર નથી. હવે ખબર પડે તો વિવાહ તૂટી જાય. રાજાએ કુળદેવીને આરાધ્યાં તો તેમણે પણ કુષ્ઠ રોગ પૂર્વકર્મના ઉદયે હોવાથી તે દૂર ન થઈ શકે તેમ કહ્યું પણ સગવડ ખાતર ચંદરાજાને અહીં બોલાવી આપીશ તે કનકધ્વજને બદલે કુંવરી સાથે પરણશે તેમ કહ્યું. હવે તમે ચંદરાજા છો તે દેવીએ આપેલ એધાણીથી ઓળખી ગયા છીએ. આપ જ ચંદરાજા છો, જો તમે પરણવા તૈયાર નહિ થાવ તો અમારે બધાએ આત્મહત્યા કરવી પડશે તેવો ભય બતાવે છે. ઉપરાંત ચંદરાજા પણ વાદ-વિવાદમાં સવાર પડી જશે તો હું અહીં જ રહી જઈશ. માની લગ્ન કરવા તૈયાર થાય છે. વરઘોડો નગરમાંથી પસાર થાય છે ત્યારે ગુણાવળી વરરાજાને જોઈ કહે છે કે આ તો ચંદરાજા જ છે પણ વીરમતી કોઈ પણ રીતે માનતી નથી. આ બાજુ મકરધ્વજ રાજા, પ્રેમલાલચ્છી, રાણી, પ્રજાજનો બધાં આવા સુંદર વરરાજાને જોઈ ખુશ થાય છે અને સુખી રહેવાના આશીર્વાદ આપે છે.
ચંદરાજાનો રાસ 191