________________
પ્રતિષ્ઠા સારી હતી. તેમના પૂર્વજોએ શત્રુંજય, આબુ, ગિરનારની જાત્રાઓ કરેલ અને સંઘ પણ કાઢેલો હોવાથી તેમની ઓળખાણ (અટક) સંઘવી તરીકે થતી. તેઓ સંસ્કૃત ભાષાના સારા જાણકાર હતા. તેમણે લગભગ બત્રીસ જેટલા રાસની રચના કરી છે. આ ઉપરાંત સ્તવન, સ્તુતિ, નમસ્કાર, સુભાષિત, ગીત, હરિયાળી, છંદ આદિ વિવિધ સ્વરૂપની અસંખ્ય લઘુકાવ્યકૃતિઓ આ કવિએ રચી છે. જૈન-જૈનેતર કથાસાહિત્યનું ઐતિહાસિક વ્યક્તિવિશેષો અંગેનું, મહત્ત્વના ચરિત્રો અને જૈનદર્શનનું સારું એવું જ્ઞાન આ કવિ ધરાવતા હતા એમ તેમની કૃતિઓ પરથી પ્રતીત થાય છે.
ઋષભદાસની રચનાઓમાં ભાષાની પ્રૌઢી છે. કહેવતો, રૂઢિપ્રયોગો, સંવાદલઢણો, વાદવિવાદોમાંની દૃષ્ટાંતપ્રચુરતા પરથી એમનું ભાષા પરનું પ્રભુત્વ અને વિદ્વત્તા વિષે ખ્યાલ આવે છે. વળી ધર્મચર્ચા અને વાદવિવાદ નિમિત્તે જૈન તત્ત્વદર્શનનું નિરૂપણ જે તેમણે કર્યું છે તેના પરથી કવિ જેને દર્શનમાં પાંડિત્ય પણ જોવા મળે છે.
ઋષભદાસ વિષે એક દંતકથા છે કે આચાર્ય વિજયસેનસૂરિએ પોતાના શિષ્ય માટે સરસ્વતીદેવીને પ્રસન્ન કરીને પ્રસાદ મેળવ્યો હતો. તે રાત્રિએ ઉપાશ્રયમાં સૂઈ રહેલા ઋષભદાસને ખબર પડતાં પોતે એ પ્રસાદ આરોગી લીધો જેને કારણે તેઓ સંખ્યાબંધ કૃતિઓ રચી શક્યા. પણ આનો કોઈ આધાર સાંપડતો નથી. તેમણે આપેલા પરિચય પ્રમાણે તેઓ ખૂબ જ ધાર્મિક વૃત્તિના, રોજિંદી ધાર્મિક આવશ્યક ક્રિયા કરનારા અને ધર્મમય જીવન જીવનારા હતા.
પ્રસ્તુત રાસના નાયક જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિજીનો પરિચય જન્મ : સંવત ૧૫૮૩ના માગશર સુદ ૯, પાલણપુરમાં જન્મ નામ : હીરજી માતા-પિતા : નાથીબાઈ અને કુરા શાહ
વૈરાગ્ય બીજ : ૧૩ વર્ષના હતાં ત્યારે બહેન વિમલાને ત્યાં પાટણ ગયાં હતાં. ત્યારે તેમણે શ્રી વિજયદાનસૂરિજીનો ધર્મોપદેશ સાંભળ્યો.
દીક્ષા : સંવત ૧૫૯૬ના કારતક વદ ૨, પાટણ ખાતે દીક્ષાનું નામ : હરિહર્ષમુનિ દીક્ષાગુરુ : આચાર્ય શ્રી વિજયદાનસૂરિજી શાસ્ત્રાભ્યાસ : દક્ષિણ ભારતમાં દેવગિરિ ખાતે એક બ્રાહ્મણ પંડિત
શ્રી હીરવિજયસૂરિ રાસ 349