________________
કવિશ્રી પોતાના ગુરુનું જીવન અગણિત ગુણોથી ભરેલું હતું તેવું તેમનું જીવન અમારાથી કેવી રીતે રાસમાં ગૂંથાશે? તેમનું જીવન ઉત્તુંગ ગિરિશિખર જેવું હતું પરંતુ હું તો મંદબુદ્ધિવાળો એટલે એ ગુણગિરિની મહાઊંચાઈ સુધી કેવી રીતે પહોંચી શકીશ? કવિશ્રી હજી પણ પોતાની લઘુતા બતાવતાં કહે છે કે, ગુરુવર્યનું જીવન તો અતિ ભવ્ય હતું પરંતુ હું તો ભાષાનો દરિદ્ર છું તો તેમના ગુણોનું કીર્તન કરવા જતાં તેમના ઉચ્ચ જીવનનું અવમૂલ્યન તો હું નહીં કરી બેસું ને? કવિશ્રી પોતાની જાતને આવા પ્રશ્નો પૂછીને રાસને ગૂંથવાનો સરસ પ્રયત્ન કરે છે.
રાજસ્થાનની મભૂમિમાં નાદિયા ગામે માતા કંકુબાઈની કુખે સં. ૧૯૪૦ના ફાગણ સુદ ૧૫ના રોજ પુત્રજન્મ થયો. કવિ શ્રી એવી કલ્પના કરે છે કે પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાના તેજ શોભી રહ્યાં હતાં તે સમયે શ્રી કિંકુબાઈની કૂખે જાણે બીજો ચંદ્ર અવતાર પામ્યો. પિંડવાડામાં શ્રી ભગવાનજીભાઈને પણ પુત્રજન્મના વધામણાં પહોંચ્યાં. બંને પરિવારોમાં ખુશાલીનો પાર નહોતો.
આ શિશુના સૌમ્ય વદનને જોતાં સૌ કોઈના દિલમાં પ્રેમ ઊભરાતો તેથી તેનું નામ પ્રેમચંદ રાખવામાં આવ્યું. બાલક પ્રેમચંદમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થતાં જિનવાણી શ્રવણનો રંગ લાગ્યો, પિતાશ્રી ભગવાનદાસભાઈ કુમાર પ્રેમચંદને લઈને સુરત જિલ્લાના વ્યારા ગામમાં વ્યવસાય અર્થે ગયા. અહીંયાં ગુરુજનોના મિલાપના સંયોગો ઊજળા બન્યા. કુમાર પ્રેમચંદ જિનવાણીનું શ્રવણ કરીને તેને જીવનમાં ઉતારવા લાગ્યો. કિશોર પ્રેમચંદે અનેક તપશ્ચર્યાઓ સાથે ભાવવિભોર બનીને ગિરિરાજની અનેક યાત્રાઓ કરી અને સાધુ મહાત્માઓના મુખેથી જિનવાણીનું શ્રવણ થતાં કિશોરના હૃદયમાં સંયમ લેવાની અભિલાષાના કોડ જાગ્યા. આ ભાવના પૂ.શ્રી સિદ્ધમુનિ પાસે રજૂ થતાં એમને ઘોઘામાં બિરાજમાન પૂ.વીરવિજયજી મ.સા. તથા પૂ.દાનવિજયજી મ.સા પાસે મોકલ્યા.
કુટુંબ તરફથી પ્રવજ્યાની અનુમતિ ન મળતાં કિશોર પ્રેમચંદ ઘરબાર છોડી સર્વવિરતિ અંગીકાર કરવા ચાલી નીકળ્યો. વ્યારાથી ૪૫ કિ.મી.નું અંતર એક જ દિવસમાં પગે ચાલીને સુરત પહોંચીને રેલવે મારફત પાલિતાણા પહોંચ્યો.
ગુરુગુણ અમૃતવેલી રાસ * 397