________________
દૃષ્ટાંત આપ્યાં છે. ત્યાર પછી કષાય આદિ જીતવાની રીત બતાવી કે ગુણો પ્રાપ્ત કરવા ઉદ્યમ કરવો જોઈએ. ગુણથી જ સન્માન પ્રાપ્ત થાય છે. પાછલી રાત્રિએ શ્રાવકે ઊંઘ ઊડી જાય ત્યારે સંસારની વિષમતા તેમ જ જીવ ચારે ગતિમાં દુઃખી થાય છે તેનું ચિંતન કરી ધર્મના મનોરથો ભાવવા કે હું સ્વજનાદિનો સંગ મૂકી ક્યારે દીક્ષા લઈશ? અહીં રાત્રિકૃત્યનું વર્ણન પૂરું થાય છે
પર્વકૃત્ય ઃ (તૃતીય પ્રકાશ)
પર્વકૃત્યનું આલેખન કરતાં કવિ જણાવે છે કે શ્રી ગૌતમ સ્વામીએ બીજ-બે પ્રકારના ધર્મ આરાધવા માટે, પંચમ પાંચ જ્ઞાન આરાધના માટે, આઠમ-આઠે કર્મ ખપાવવા માટે અગિયાર અગિયાર અંગની સેવા માટે તથા ચૌદશ-ચૌદ પૂર્વોની આરાધના માટે એમ પાંચ પર્વતિથિઓ કહી છે. આ પાંચ પર્વમાં અમાસ, પૂનમ ઉમેરતા પ્રત્યેક પખવાડિયાની ઉત્કૃષ્ટ છ પર્વતિથિઓ થાય. આખા વર્ષમાં અઠ્ઠાઈ ચોમાસી વગેરે ઘણાં પર્વો છે. સુશ્રાવકે પર્વોમાં તથા વિશેષ આસો મહિનાની તથા ચૈત્ર મહિનાની અઠ્ઠાઈમાં પૌષધ વગેરે કરવું. બ્રહ્મચર્ય પાળવું. આરંભ વર્જવો. વિશિષ્ટ તપશ્ચર્યાં વગેરે કરવી.
પોષ-ધર્મની પુષ્ટિને ધ-ધારણ કરે તે પોષધ કહેવાય શ્રાવકે સિદ્ધાંતમાં કહેલા આઠમ, ચૌદશ વગેરે પર્વોના દિવસે પૌષધ આદિ વ્રત જરૂ૨ ક૨વા. અથવા દેશાવકાશિક વ્રત જરૂર કરવા તેમ જ આરંભ અને સચિતાહારનો ત્યાગ કરવો. ત્રણ ચોમાસા અને સંવત્સરી અઠ્ઠાઈ વગેરે પર્વોમાં વિશેષ ધર્મ અનુષ્ઠાન કરવા. ઊગતી કે આથમતી તિથિ માનવી એ વિષે કવિએ છણાવટ કરતાં જણાવે છે કે સૂર્યના ઉદયના અનુસારે જ દિવસાદિનો વ્યવહાર ગણાય. તેમ જ જિનકલ્યાણકો પણ પર્વતિથિ જેવાં જ ગણવા. કવિએ અહીં કૃષ્ણમહારાજાનું દૃષ્ટાંત આપ્યું છે ભગવાન નેમિનાથે આખા વર્ષમાં આરાધવા યોગ્ય ઉત્કૃષ્ટ પર્વ તરીકે માગશર સુદ અગિયારસ કૃષ્ણ મહારાજાને બતાવી હતી. પછી કૃષ્ણ મહારાજા એ મૌન પૌષધોપવાસ કરીને તે દિવસની આરાધના કરી. જેવો રાજા તેવી પ્રજા એ ન્યાયે સર્વ લોકોમાં આ પર્વની પ્રસિદ્ધિ થઈ. પર્વ તિથિને વિષે કરેલું ધર્માનુષ્ઠાનનું શું ફળ મળે તે દર્શાવવા કવિ આલેખે છે.
446 * જૈન રાસ વિમર્શ