________________
સૌભાગ્યકુશલ રચિતઃ જગડુરાસ
ડૉ. શોભના આર. શાહ
આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪]
પ્રાચીન ભારતીય પરંપરામાં રાસ, કથા, ચરિત્ર આદિનું આગવું સ્થાન છે. જેના દ્વારા માનવી પોતાના વિચારો, અનુભવો, કૌતુકો, સાહસો અને ઉપદેશોનું વર્ણન સરળતાથી અને સહજતાથી કરી શકે છે. એટલું જ નહીં પરંતુ જટિલ જણાતી સમસ્યાઓનું સમાધાન પણ તેના દ્વારા સુંદર રીતે રજૂ કરવામાં આવે છે. આમ પ્રાચીન કાળથી જ રાસ, કથાઓ અને ચરિત્રનું નિર્માણ થતું આવ્યું છે. અને તે સાહિત્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ભોગવે છે. ભારતીય પરંપરાની કેટલીય મૂળભૂત કથાઓ, રાસ વિદેશની ધરતી પર પહોંચી માનવજીવનનો સંદેશ રજૂ કરે છે. રાસસાહિત્યનું અધ્યયન તે સમયની સંસ્કૃતિનો વિકાસ, રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિઓનું સમ્યફ આકલન કરવા માટેનું સબળ સાધન છે.
ભારતીય કથાસાહિત્યને ચાર ધારામાં વિભક્ત કરવામાં આવ્યું છે : ૧. વૈદિક, ૨. બૌદ્ધ, ૩. જેન, ૪. લોકરંજન આમાંથી મધ્યકાલીન ગુજરાતી જૈન કથાસાહિત્ય ભારતીય કથાસાહિત્યની એક મહત્ત્વની ધારા ગણાવાઈ છે. રાસનો આરંભ :
જૈન કથાસાહિત્ય અનેક સાહિત્યસ્વરૂપોમાં કલાત્મક રીતે રચાયેલું છે. જેને કથાસાહિત્ય રાસા, પ્રબંધ, પવાડા, પદ્યવાર્તા – એમ ચાર જેટલા સ્વરૂપમાં સમાવિષ્ટ છે. જૈનધર્મ ચરિતાનુરાગી હોઈ એમાં ચરિત્રને ઉપસાવતું સાહિત્ય સવિશેષ છે.
મધ્યકાલીન જૈન ગુજરાતી સાહિત્યમાં ‘રાસનું નિર્માણ પ્રાચીનકાળથી જ પ્રારંભ થઈ ચૂક્યું હતું. એટલું જ નહીં, પરંતુ તેને ઉપદેશનું સબળ અને પ્રબળ છતાં સહજ માધ્યમ માનવામાં આવ્યું છે. સાહિત્યમાં રાસનું અત્યધિક મહત્ત્વ છે.
રાસાના કેન્દ્રમાં ચરિત્ર જ હોય છે. ક્યારેક-ક્યારેક એ ચરિત્ર પ્રચલિત લોકકથાનું હોય, ક્યારેક ધર્મકથાનું હોય, ક્યારેક વ્રતકથાનું હોય, ક્યારેક ઐતિહાસિક કે પૌરાણિક પણ હોય તો ક્યારેક માત્ર બોધ-ઉપદેશ જ કેન્દ્રમાં
જગડુરાસ * 379