________________
વિષયવસ્તુ :
જગડુશાહ વિશે આપણને જુદીજુદી માહિતી પ્રાપ્ત થાય છે. જગડુ વિશે લાંબો સમય થઈ ગયો હોવાના કારણે તેને લોકોએ જુદી જુદી રીતે જોડી દીધો છે. તેને કોઈ કાઠિયાવાડમાં તો કોઈ કચ્છમાં તો કોઈ મારવાડમાં થઈ ગયાનું લખે છે. તેને કોઈ સં. ૧૨૦૩માં તો કોઈ ૧૨૧૩માં કોઈ ૧૬૧૫માં મૂકે છે. એક સારસ્વત બ્રાહ્મણના કહેવા પ્રમાણે જગડુને છોકરો હતો. પોરબંદર પાસે ડુંગર ઉપર હર્ષદમાતાનું સ્થાનક હતું. તેથી ડુંગર ઉપરથી દરિયામાં જે વહાણ ઉપર તેની નજર પડતી તે ડૂબી જતાં. જગડુએ. દેવી આગળ લાંઘણ કરતાં, દેવી પ્રસન્ન થયાં અને વરદાન માંગવા કહ્યું. જગડુએ કહ્યું તમારે મોઢું બીજી તરફ ફેરવવું.
દેવી કહે, “દેવળના પગથિયાની સંખ્યા જેટલા પાડા ચઢાવે તો મોઢું ફેરવું.” તેમ કરતાં છેલ્લા ત્રણ પગથિયા રહ્યાં એટલે જગડુએ પોતાની સ્ત્રી તથા પુત્રનો ભોગ આપ્યો, અને છેલ્લે પોતે તૈયાર થયો. એટલે દેવીએ “હાં ‘હા’ કરી તેને વાર્યો અને અતિશય પ્રસન્ન થઈ બધા પાડા તથા તેની સ્ત્રી અને પુત્રને સજીવન કર્યા અને પોતાનું મોઢું ફેરવી લીધું.
અન્ય કથા પ્રમાણે જગડુ કચ્છના વાગડમાં થઈ ગયો. કોઈ કહે છે કે કાઠિયાવાડમાં ગિરનારમાં થઈ ગયો. જે જમાનામાં તે થયો તે વખતે ગૃહસ્થનું મોટાપણું પોતાની પાસે જેટલાં ગામ, ઢોર વગેરે હોય તે પરથી અંકાતું. ૧૦૦ ગાયનું એક ગોકુળ કહેવાતું. જગડુશાહ પાસે આવાં ઘણાં ગોકુળ હતાં. સં. ૧૩૧૫માં દુકાળ પડશે એવી તેને કોઈ દેવતા તરફથી ખબર પડતાં ગામે-ગામથી જુવારની પાલો નંખાવી અને દુષ્કાળ વખતે દરેક માણસને માટે ખુલ્લી મૂકી. તે જોઈ કાળ તેની પાસે માંગવા આવ્યો. તે ખાતા કેમે કર્યો ધરાય નહીં. ખૂબ ખાતા જ્યારે કાળનું પેટ ફાટવા માંડ્યું. ત્યારે કાળ ખાતો બંધ થયો. જગડુએ કહ્યું કે, “હજુ ખાવું જોઈશે.” કાળે લાચાર થઈ કહ્યું કે હવે મને છોડી દે અને હું વચન આપું છું કે કોઈ વાર પનરોતરે (સં. ૧૩૧૫) નહીં પડું. તે વિશે દોહરો બોલાય છે. પૂર્વાર્ધ કોઈને યાદ નથી ઉત્તરાર્ધ આ પ્રમાણે છે. “જગડુશા હવે નહીં પડું પનરોતરો.”
૧. અહીં સુધીની કથાઓ લોકકથાને આધારે છે. – સં. 382 * જૈન રાસ વિમર્શ