________________
ઉપસંહાર:
ભગવાન મહાવીરની ૫૭મી પાટે થયેલા શ્રી વિજયદાન સૂરિના અનન્ય ભક્ત એવા કવિ શ્રી ઋષભદાસે શ્રી હીરવિજયસૂરિ રાસની રચના કરી છે. મંગલાચરણમાં માતા સરસ્વતી, તીર્થકર, ગુરુદેવ આદિને વંદન કરીને રાસનો આરંભ કરે છે, તો અંતમાં કેટલાક ઉખાણાઓ દ્વારા કવિ રાસના રચયિતા ખૂબ જ સુંદર રીતે બુદ્ધિમત્તાથી પોતાનો પરિચય આપે છે. ૧૧૦ ઢાળમાં આ રાસની રચના કરવામાં આવી છે. ઢાળના આરંભે રાગ-રાગિણીઓના નામનો નિર્દેશ થયેલો છે. આ રાસા મુખ્ય તો દોહા, રોલા, દાત્તા, ચોપાઈ, કવિત સોરઠા વગેરે માત્રામેળ છંદોમાં રચાયા છે.
આ રાસને ઐતિહાસિક કહી શકાય. ઇતિહાસમાં સુવર્ણપૃષ્ઠોને આલેખતા ચરિત્રોને વર્ણવતા આ રાસમાં નાયકના માતા-પિતા, ગુરુ, નગરી, જન્મસ્થળ, શૈશવ, તીર્થયાત્રા, દીક્ષા, શાસ્ત્રાભ્યાસ, આચાર્યની પદવી પ્રાપ્તિ, શાસન પરનો પ્રભાવ, નિર્વાણ વગેરેનું વર્ણન ખૂબ જ સુંદર રીતે જે તે સમયની સંસ્કૃતિને તાદ્દશ કરતું હોય તે રીતે કરવામાં આવ્યું છે.
આ રાસનું મુખ્ય પ્રયોજન જેન ધર્મનો પ્રચાર-પ્રસાર જ છે. આથી જ જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતોથી માંડીને જેન ધર્મનું સ્વરૂપ વગેરેનું ખૂબ જ વિસ્તૃત રીતે વર્ણન કરવામાં આવ્યું છે. જૈન તત્ત્વદર્શન અન્ય દર્શનો કરતાં કેવી રીતે ચડિયાતું છે તે પણ વાદવિવાદથી બતાવીને અન્ય દર્શન કરતાં આ દર્શન શ્રેષ્ઠ છે તે પુરવાર કરવામાં આવ્યું છે. તે સમયની ઐતિહાસિક, ધાર્મિક તેમ જ ભૌગોલિક પરિસ્થિતિનો પણ ઉલ્લેખ મળી રહે છે. એમાંથી ભાષાવિકાસનો ક્રમિક પરિચય પણ મળે છે.
વળી આ રાસમાં શત્રુંજય તીર્થનો મહિમા તથા અન્ય તીર્થોનો ઉલ્લેખ ખૂબ જ ઝીણવટથી કરવામાં આવ્યો છે. ખાસ કરીને યાત્રા દરમિયાન હીરસૂરિજીનું ઠેરઠેર કરવામાં આવતું સ્વાગત, હીરસૂરિજીનો શાસન પર પ્રભાવ, તેમના ક્ષાવકોનો તેમના પ્રત્યેનો ભક્તિભાવ તથા ધર્મક્ષેત્રે દ્રવ્ય વાપરવામાં દર્શાવેલી ઉદારતા વગેરેનું ખૂબ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
અંતમાં હીરગુરુનો રાસ જે ભણે, ગણે, વાંચે કે સાંભળે તેને થતાં લાભ વર્ણવતા લખ્યું છે કે,
ભણે ગુણે વાંચે સાંભળે, તેહને બારે કલ્પદ્રુમ ફળે; લિખલિભાવે આદર કરે, પુણ્ય તણો ઘટ પોતે ભરે! ૩૦૦૩
શ્રી હીરવિજયસૂરિ રાસ 377