________________
શ્રી હીરવિજયસૂરિ રાસ શ્રાવક કવિ શ્રી ઋષભદાસજી
પારૂલબેન ભરતકુમાર ગાંધી રચના કરી તે સાલ અને સ્થળ: સંવત ૧૬૮૫ ખંભાત-ગુજરાત
રચના સ્વરૂપ: મુખ્યત્વે દુહા અને ચોપાઈ છંદમાં અને વિવિધ દેશીઓમાં રચાયેલી ૧૧૦ ઢાળની ૩૧૩૪ કડીની આ દીર્ઘ રચના છે. આ કૃિતિમાં ઋષભદાસ કવિએ એમની પૂર્વે રચાયેલા શ્રી હીરવિજયસૂરી વિષયક ગ્રંથોનો ઉપયોગ પણ કરેલો છે, તેમ જ પોતાના ગુરુભગવંતો પાસેથી સાંભળેલી શ્રી હીરસૂરિજીની વિગતોને પણ વણી લીધી છે. કર્તા કવિ ઋષભદાસ વિષે કેટલીક માહિતી :
મધ્યકાલીન ગુજરાતી જૈનસાહિત્યનું ખેડાણ મુખ્યત્વે જૈન મુનિ કવિઓ દ્વારા થયું છે. તેમાં થોડા પ્રમાણમાં કેટલાક શ્રાવક કવિઓનું પણ નોંધપાત્ર યોગદાન રહેલું છે. આવા શ્રાવકોમાંના એક તે આ રાસના રચયિતા શ્રી ઋષભદાસ કવિ જેઓ ગુજરાતના ખંભાત નામના શહેરમાં થયા. તેમના જન્મ કે નિધનનું નિશ્ચિત વર્ષ ક્યાંય સ્પષ્ટ રીતે નોંધાયેલું મળતું નથી. છતાં તેમની રચનાઓને આધારે તેમનો કવનકાળ સં.૧૬૬૨ થી ૧૬૮૮નો નિશ્ચિત થાય છે.
મધ્યકાળમાં ખૂબ જાણીતા બે જૈન મુનિ કવિઓ નયસુંદર અને સમયસુંદરના તેઓ નજીકના સમકાલીન કવિ છે. સં. ૧૬પરમાં નિર્વાણ પામેલા મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર શ્રી વિજયસેન સૂરિના. શિષ્ય સમાન તેઓ હતા. તેમણે તેમની પાસે ઘણું શાસ્ત્રાધ્યયન કર્યું હતું. વિજયસેનસૂરિની પાટે વિજયતિલકસૂરિ અને એમના પછી વિજયાનંદસૂરિ થયા તેમને પણ કવિ ઋષભદાસે પોતાના ગુરુ માન્યા હોવાનું તેમની કૃતિ ભરતેશ્વર રાસમાં મળતા ઉલ્લેખો પરથી જણાય છે.
કવિ ઋષભદાસ વીસા પોરવાડ વણિક જ્ઞાતિના અને સંઘવી અટક ધરાવતા હતા. તેમના પિતામહનું નામ મહિરાજ હતું. પિતા સંઘવી સાંગણ હતા. માતાનું નામ સરૂપાદે હતું. જન્મ ખંભાત મુકામે થયો હતો. તેમને સુલક્ષણી પત્ની હતી. ભાઈ, બહેન અને એકથી વધુ સંતાનો હતાં. ઘેર ગાય ભેંસ દૂઝતી હતી. પોતે પૈસેટકે સંપન્ન હતા. રાજ્યમાં કવિ તરીકે પણ એમની
348 * જૈન રાસ વિમર્શ