________________
ઘરે આવ્યો અને માતાપિતાને આનંદ થયો.
ઢાલ બાવીસમી
આમ પવનજી રાજ્ય કરે છે અને દેદીપ્યમાન કુંવરને જોઈ બધા દુર્જન બધા દૂર નાસી જાય છે. પવનજીના રાજ્યમાં પ્રજા સુખી છે, યાચકને દાન દેવડાવે છે તથા દાનપુણ્ય કરે છે, રાજાને યોગ્ય બધા સુખ ભોગવે છે. હજાર વહુઓ તેમની સેવા કરે છે અને તેઓ પાંચ ઇન્દ્રિયના ભોગ ભોગવે છે ત્યારે અંજના મનમાં ચિંતવે છે કે ધન્ય તે નર છે જે પોતાને શિરે યોગનું વહન કરે છે. રાત્રિને પાછલા પહોરે ધર્મચિંતન કરતાં કરતાં અંજના મનમાં ચારિત્રની ચિંતવણા કરે છે. તત્ક્ષણ પવનજીને પગે લાગીને કહે છે જન્મમરણના દુ:ખ દોહ્યલા છે, રોગ, વિયોગ ને સંસાર ક્લેશ છે, હવે વિષયના સુખ પૂરા થયા તો સ્વામી મને સંયમની શીખ દો. પવનજી કહે છે કે દેવી! ઘે૨ બેઠાં ધર્મ કરજે, હજી બાલપણું છે, ચોથે આશ્રમે સંયમ લેજે ત્યારે અંજના કહે છે કાલનો કાંઈ ભરોસો નથી, જેને મરણ તણો ત્રાસ નથી તે વિલંબ કરે. આ કાચી કાયાને વિનાશ પામતાં જરાય વા૨ નથી લાગતી તેથી રાયે રીઝીને મનમાં વૈરાગ્ય આણી હનુમંતકુંવરને તેડાવ્યા ત્યારે હનુમંતને માતાનો મોહ છૂટતો નથી પરંતુ માતા કહે છે આ અસ્થિર આયુષ્યનો વિશ્વાસ નથી. માતાપિતા પિરવારને સહુ કોઈ મારું મારું કરે છે પણ અંતકાળે કોઈ કોઈનું શરણ નથી. અંજના બધાને ખમાવીને ગુરુણી પાસે ગઈ, વસંતમાલા પણ તેની સાથે થઈ. અંજનાએ તેના બધાં આભૂષણોનો ત્યાગ કરી લોચ કરી ત્યાંથી સંયમ લઈ કર્મની ક્રોડિ તોડતાં ચાલ્યા. અંજનાના આભરણ અને વાળ લઈને પુત્ર ચાલ્યો કે ઘરે જઈ તેને પૂજશું અને આપણો સમય પસાર કરીશું. પછી તો અંજનાને માસે માસે પારણું કરતા શરીર સૂકાઈ ગયું. સમસ્ત જીવની પ્રતિપાલના કરતાં બાર માસ સુધી તપ કરી અંજના અનશન વ્રત લઈ સંથારો કરે છે. ચારે ગતિના જીવોને ખમાવે છે, મનમાં ચાર શરણાનું ચિંતન કરે છે અને સદ્ગતિ પામ્યા. તે વિદ્યાધરના વંશમાં ઊપજી, તેના નામે નવિધિ સંપન્ન થાય, તેનું ભજન કરતાં ભવદુઃખનો છેહ થાય, છેવટે કવિ કહે છે મેં કાંઈ અધિક ઓછું કહ્યું હોય તો મિચ્છામિ દુક્કડં. મેં તો સતી સાધ્વી અંજનાના શિયલ તણા ગુણનું વર્ણન કર્યું છે. પછી કવિ આગળ સીતા આખ્યાન લખવા વિશે ઉલ્લેખ કરે છે.
અંજના સતીનો રાસ * 261