________________
સમજૂતી ઉપરાંત ટબા-ટીકા પણ મૂળ ભાષામાં જ પ્રસ્તુત છે. જે સંપાદકની માત્ર સંશોધક દૃષ્ટિ જ નહિ પણ એમની સર્જનાત્મક પ્રતિભાની પરખ પણ કરાવે છે.
ઉપરાંત પાંચમા ભાગના અંતે પ્રગટ કરેલા ૧૪ પરિશિષ્ટો પણ સંપાદકની બહુશ્રુતતાની પ્રતીતિ કરાવે છે.
ગ્રંથમાં જે સાહિત્ય છે એ ભલે યથાસ્થાને રહ્યું જે ગ્રંથના પૃષ્ઠોના દર્શન કરતી વખતે આત્માને પ્રસન્ન કરે છે પણ આવા અર્થગંભીર તત્ત્વો વાંચીને સંપાદકશ્રીને વિનયપૂર્વક સૂચન કરવાનો ભાવ થાય છે કે આ પાંચ ભવ્ય ગ્રંથો સાથે અંદરના આ સાહિત્યની એક જુદી પુસ્તિકા આપી હોત તો સરળતાથી અનેક જિજ્ઞાસુઓ એના તત્ત્વનો લાભ લઈ શકત. હજી એ શક્ય છે.
પ્રજ્ઞા અને પુરુષાર્થના સમન્વયથી નિર્મિત થયેલા તીર્થસ્વરૂપ આ પાંચ ગ્રંથોનું સ્થાપન પ્રત્યેક જૈન ઉપાશ્રયમાં થવું જ જોઈએ. શક્ય હોય તો પ્રત્યેક શ્રાવક-શ્રાવિકાના ઘરમાં એનું સ્થાપન થાય, તો ઘરદેરાસરના નિર્માણ જેટલો આનંદ-ઉલ્લાસ એ ઘ૨માં નિઃશંક સર્જાય અને પ્રતિદિન થોડાં પાનાંનું વાચન થાય તો નવપદની ભક્તિનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત થાય જ.
શ્રીપાલ-મયણા ઉપર પૂ. મુનિ ભગવંતો અને શ્રાવક પંડિતોએ અત્યાર સુધી જેટલા ગ્રંથોનું સર્જન કર્યું છે, એ સર્વે ગ્રંથોનું પંક્તિમાં આ યુગના પંડિત ભીમશી માણેક જેવા શ્રી પ્રેમલ કાપડિયાના આ ગ્રંથો યશસ્થાને બિરાજવાના નિઃશંક અધિકારી છે.
જીવે કર્મચક્રથી મુક્ત થવું હોય તો ધર્મચક્રનું શરણું સ્વીકારવું જ પડે. કર્મચક્રમાં કષ્ટો અને અનિષ્ટો છે. ધર્મચક્રમાં પરમેષ્ઠિઓ છે. કર્મચક્રની દુઃખદ લીલાનું શમન ધર્મચક્ર કરે છે. સિદ્ધચક્રના પૂજનથી ધર્મચક્રમાં પ્રવેશ થાય. જૈનશાસનમાં સિદ્ધચક્રથી મહાન કોઈ યંત્ર નથી.
નવપદ અને સિદ્ધચક્ર યંત્રની આરાધના કરવાની ભાવના ચતુર્વિધ સંઘમાં પ્રગટ થાઓ, એ સર્વેને શ્રીપાળ રાજાની જેમ નવનિધિ સિદ્ધિઓ પ્રાપ્ત થાઓ એવી મંગળ ભાવના ભાવતા આ ગ્રંથ વિશે વિશેષ લખવાના ઉમંગ છે છતાં સમયમર્યાદાને કારણે સ્થિર થવું પડે છે, સુજ્ઞેષુ કિં: બહુના?
આ ગ્રંથોનું પ્રાપ્તિ સ્થાન : હર્ષદરાય પ્રા.લિ. જીજી હાઉસ, દામોદર સુખડવાલા માર્ગ, વી.ટી. સામે, મુંબઈ-૪૦૦૦૦૧ ફોનઃ ૦૨૨-૬૬૫૧૯૯૦૦ મો.નં. ૯૮૨૧૧૪૧૪૦૦
318 * જૈન રાસ વિમર્શ