________________
મૂળગ્રંથના દરેક ખંડ, ઢાળ, ગાથા અને શબ્દોને ધ્યાનમાં રાખીને તેના આધારભૂત સંદર્ભો, ચિત્રો અને પત્રોની ઉચિત ગોઠવણી કરી છે. દા.ત., નવપદ પ્રમાણે દરેક પદને અનુરૂપ ચિત્રો, ચિત્રાંકનો, પટો તેમ જ સંદર્ભો ગોઠવાયાં છે. ઉપરાંત કથાનાં પ્રસંગચિત્રોનું ચયન અને ગોઠવણ તાર્કિકકલાત્મક સૂઝથી થયાં છે.
પ્રમાણભૂતતા અને પ્રામાણિકતા: આવા ભગીરથ કાર્ય માટે સંશોધન અને સંપાદન મહામુશ્કેલ છે. જે સામગ્રી મળે તે પૂર્ણતયા વિશ્વસનીય છે કે નહીં તેની ચકાસણી કરવી ઘણી જ જરૂરી હોય છે. જ્યાં શંકા લાગે ત્યાં બહુમતીય સ્વીકૃતિનો આધાર લઈને કામ થાય. પ્રસ્તુત ગ્રંથમાં આ બાબત સિદ્ધ થઈ છે. રચનાકારે સંદર્ભ સાહિત્યને સંશોધનની એરણ પર ચડાવીને, સિદ્ધ કરીને તે ખપમાં લીધું છે. આ બાબતની જો નોંધ ન લઈએ તો અનુભાવક તરીકે આપણે ઊણા ઊતરીએ.
વળી સાહિત્યજગતમાં સાહિત્યચોરીની ઘટનાઓ પણ બને છે. સર્જકની પ્રામાણિકતાની બાબત બહુ જરૂરી હોય છે. શ્રી પ્રેમલભાઈએ તમામ ચિત્રો તથા સંદર્ભો માટે ગ્રંથની નાનામાં નાની માહિતી માટે પ્રામાણિકતાને નિભાવી છે. જે સ્વરૂપે જે પ્રાપ્ત થયું તેની સાદર નોંધ પણ લીધી છે. આ માટે આપણને પણ ગૌરવ થાય એવું બન્યું છે.
ઔદાર્યઃ શ્રી પ્રેમલભાઈની ઉદાર લાગણી પ્રસ્તુત પ્રકાશનમાં જોવા મળી. આવા ઉત્તમ જ્ઞાનખજાનાને, દુર્લભ કાર્યને હૃદયની ઉદારતાથી શાસનને સુપ્રત કરવાની ઘટના જૈન સાહિત્ય પ્રકાશનના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે અંકિત થશે. પ્રકાશન સામાન્ય હોય તોપણ કઠિન બને છે. જ્યારે આ તો મહાગ્રંથનું ઉત્તમ કોટિનું દુર્લભ પ્રકાશન છે. આ માટે વિપુલ ધનરાશિની ગંગા વહાવીને ઔદાર્યનું અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વૈશ્વિક સ્તરે અને વર્તમાન તેમ જ ભાવિ પેઢી આ શ્રુતખજાનાથી લાભાન્વિત થાય એવી અંતરની ઇચ્છાને સાકાર કરવાની ઉદાર દૃષ્ટિ પણ અહીં જોવા મળે છે. આ માટે ક્યાંય કોઈ કચાશ ન રહે તેનો પૂરો ખ્યાલ પણ રખાયો છે.
ધન્ય છે આવા ઔદાર્યને! ધન્ય છે આ પાછળના સર્જકના ભક્તિભાવને!
આમ વિવિધ પરિમાણોથી સર્જકનું વ્યક્તિત્વ અહીં પ્રતિબિંબિત થાય છે. તેમાં પરિશ્રમ પ્રત્યે ગૌરવની લાગણી પણ પ્રગટ થાય છે.
ALAતરેT
શ્રીપાલ રાસ 335