________________
પરદેશી રાજાનો રાસ
(જ્ઞાનચંદજી)
સુધાબેન ગાંધી
શ્રી પરદેશી રાજાનો ૨ાસ આજથી અઢીથી ત્રણ હજાર વર્ષ પૂર્વના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે. તે સમયના સામાજિક જીવનનાં પાસાંઓને ઉજાગર કરે છે. રાજાનો સમગ્ર વ્યવહાર, સભ્ય દેશોની સભ્યતાને, અસભ્ય વ્યક્તિના જીવનમાં લઈ જવાનો એક ભગીરથ પ્રયાસ છે. આ રાસમાં આધ્યાત્મિક અથવા આંતરિક વિચારો કે સંસ્કારોનો ઇતિહાસ ઘણો જ મહત્ત્વપૂર્ણ છે.
આદિકાળથી ચાલી આવતી મનુષ્યની સ્વાર્થપરાયણતા, ક્રોધ, અહંકાર, માયા, કપટ, કામવાસના ઇત્યાદિનો જે પ્રવાહ જગતમાં જળવાઈ રહ્યો છે જે ઇતિહાસ બહુ જૂની પ્રકૃતિ તથા વિશ્વ સાથે જોડાયેલો છે તેવા આંતરિક પ્રવાહોનો ઇતિહાસ આ રાસમાં સંકલિત થયેલ છે.
આ પરદેશી રાજાના રાસમાં આર્યભૂમિ તથા અનાર્યભૂમિનો મુખ્ય ઉલ્લેખ છે. આર્યભૂમિ ગંગાના નિકટવર્તી પ્રદેશોમાં સમાવિષ્ટ છે.
આર્યભૂમિ તરીકે આ પ્રકરણમાં જે દેશોનો ઉલ્લેખ છે ત્યાંનો રાજા ઘણો જ બુદ્ધિશાળી, વિચક્ષણ અને શક્તિશાળી છે. રાજા હોશિયાર હોવા છતાં નાસ્તિકતાની લપેટમાં આવી જાય છે અને અગોચરભાવ પ્રત્યે પ્રબળ અશ્રદ્ધા ધરાવવા લાગે છે.
આ પરદેશી રાજા તેની નાસ્તિકતાના કારણે ખૂબ હિંસક પગલાં ભરે છે, વળી રાજ્યમાં નીતિ, ન્યાયને સ્થાન આપી શકતા નથી. પાપનાં ફળ બૂરાં હોય તેવું ન માનનાર તે પાપાચાર પ્રવૃત્તિને વેગ આપે છે. જેના પરિણામે પ્રજાને તથા રાજા કર્મચારીને ઘણો અન્યાય થાય છે અને હિંસક બળોને પ્રોત્સાહન મળે છે.
સદ્નસીબે રાજાને મંત્રી ચિત્તસારથિ ખૂબ જ આસ્તિક, ધાર્મિક વૃત્તિવાળો વિચક્ષણ અને બુદ્ધિમાન છે. આ મંત્રી પ્રબળ, પરાક્રમી મહાત્માની શોધમાં છે. જે રાજાને પડકારી શકે અને તેમની નાસ્તિકતાને નાથી શકે. મંત્રી ખૂબ ચતુર અને રાજનીતિનાં સૂત્રોનો જાણકાર છે.
પરદેશી રાજાનો રાસ * 279