________________
સચિત્ર કલાકૃતિઓ જેમ કે પ્રાચીન હસ્તપ્રતો, પટ, ભવ્યાતિભવ્ય ચિત્રો આદિ વિષયક શોધખોળ અને સંશોધન કરતાં એમ સમજાયું કે આ બધી દુર્લભ કૃતિઓ મહદંશે એક કે બીજી રીતે નવપદથી સંભવિત છે. તેથી આ ગ્રંથનું પ્રકાશન કરતી વખતે ભાવના જાગી કે જિનશાસનના ઉપરોક્ત સુંદરમાં સુંદર, દુર્લભ ચિત્રકલાના નમૂનાઓ દેશભરથી ભેગા કરીને નવપદ મહિમાવંત એવા આ મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં સંગ્રહી લેવા. અમારા આ પ્રયાસની ફળશ્રુતિરૂપે અમે ગ્રંથનો શણગાર નિમ્નોક્ત રીતે કર્યો છે.
શ્રીપાલરાસની મૂળ મારૂગૂર્જર ભાષામાં લખાયેલ લગભગ ૧૨પર ગાથાને કલાત્મક રીતે શણગારવા ઉત્તમમાં ઉત્તમ, પ્રાચીન કલ્પસૂત્ર અને અન્ય સૂત્રોની સચિત્ર પ્રતોનો આધાર લીધો છે. આ ઉજ્જવળ પ્રતોમાંથી પ્રાપ્ત કરેલ લગભગ ૩૦૦ અતિસુંદર હાંસિયાઓ અને કિનારીઓથી શ્રીપાલરાસની ગાથાઓને સુશોભિત કરી છે. આ પ્રાચીન પ્રતો મુખ્યપણે ૧૬મી સદીની છે અને થોડીઘણી ઉત્તમ શૈલીની, સત્તરમી સદીની, બુંદી કલમની છે. હાંસિયાઓ અને કિનારીઓની શોભા અપ્રતિમ, હૃદયંગમ, મનોહર, બેનમૂન અને અજોડ છે. આ જૈન ચિત્રકલાનો એક અલૌકિક અમૂલ્ય સંગ્રહ છે, જેના નમૂનાઓ ગ્રંથમાં પ્રદર્શિત કર્યા છે. આ પ્રકારની કલાકૃતિના દર્શન પણ વાચકવર્ગને માટે દુર્લભ છે. ગ્રંથમાં પ્રસ્તુત અન્ય શૈલી અને વિષયોની કલાકૃતિઓ તો અતિ સૌંદર્યસભર અને મનમોહક છે. એમાં પણ પ્રાચીનતાની દૃષ્ટિએ વિશિષ્ટપણે તરી આવે એવા આ અનૂઠા હાંસિયાકિનારીઓનું અવલોકન એક આનંદ મહોત્સવનો અવસર છે.
કથામાં આવતા દરેક મુખ્ય પ્રસંગોને ચિત્રોમાં આવરી લેવા માટે તે અંગે સંશોધન કરતાં જાણવા મળ્યું કે શ્રીપાલરાસની પ્રાચીન સચિત્ર હસ્તપ્રતોમાં બધાં જ ચિત્રો લગભગ સિરોહી કલમથી કે એમાંથી નિષ્પન્ન થયેલાં છે કે જે એક લોકકલાનું ઉદાહરણ છે. આવા પ્રકારની શ્રીપાલરાસની સચિત્ર હસ્તપ્રતોના કેટલાક નમૂનાઓ અમે પરિશિષ્ટમાં પ્રકાશિત કર્યા છે. એની તુલનામાં આ ગ્રંથમાં લીધેલા જયપુર મોગલ શૈલીના ચિત્રો વધુ ઉચ્ચ કોટિના છે. ગ્રંથમાં સમાવિષ્ટ ઉત્તમ કલાકૃતિઓ પણ કથાપ્રસંગોને પૂર્ણ ન્યાય આપીને એમાં પ્રાણનો સંચાર કરે છે.
હવે નવપદ અંતર્ગત પ્રત્યેક પદને અનુરૂપ સચિત્ર પ્રસંગો માટે શ્રી જિનશાસનના ઉત્તમ જ્ઞાનભંડારો, મંદિરો, સંસ્થાઓ અને વ્યક્તિગત
312 • જૈન રાસ વિમર્શ