________________
એને ત્યાં જ રહીને સ્થૂલિભદ્રે વિતાવેલાં બાર વર્ષ, વરરુચિ બ્રાહ્મણની ઈર્ષ્યાને નિમિત્તે નંદરાજાની શંકાશીલતા, પિતાની હત્યા, મંત્રીપદ માટે રાજ્યનું તેડું અને રાજને મળવા જવા માટે પ્રેમિકા કોશાની માગેલી આજ્ઞા – આ ભૂમિકા દુહાઓમાં આલેખાઈ છે.
કવિએ ઢાળોમાં રચનાપદ્ધતિ એવી પ્રયોજી છે કે આખી ઢાળ પાત્રસંવાદ રૂપે અને છેલ્લી કડી કવિમુખે કથિત થાય.
પ્રથમ ઢાળમાં સ્થૂલિભદ્ર નંદરાજા પાસે જવા માગેલી આજ્ઞાના પ્રત્યુત્તરરૂપે કોશાના ભાવવાહી ઉદ્ગારોનું આલેખન છે. પોતે સ્થૂલિભદ્રને જાળાની સોગંદ ખવડાવીને ના પાડે છે. આલેખન છે પોતે ક્ષણ માટે પણ અળગી થવા માગતી નથી. કેમ કે એને મન યૂલિભદ્ર આ નગરીમાંથી સાંપડેલું અમૂલ્ય રત્ન છે. જે એને જવું જ હોય તો પોતાને પણ સાથે તેડી જવા વીનવે છે.
છેલ્લી કડીમાં કવિકથન છે. સ્થૂલિભદ્ર નંદરાજાને મળ્યા. મથામણને અંતે એમણે સંયમ સ્વીકાર કર્યો.
બીજી ઢાળમાં સમય ચોમાસાની ઋતુનો – આષાઢ માસનો. અહીં સ્થૂલિભદ્રના ગયા પછી વિરહવેદના અનુભવતી કોશાના ઉદ્ગારો છે. એ કહે છે, “વિરહરૂપી ભુજંગ મને ડંખ્યો છે અને એનું વિષ તનમનમાં વ્યાપી વળ્યું છે. એનાથી ફૂલ સમી કોમળ કાયા દાઝી રહી છે. શકટાલસુત સિવાય કોઈ આ વિષ ઉતારી શકે એમ નથી.”
અહીં વર્ષોવર્ણન પણ કોશાના ઉદ્દગાર રૂપે નિરૂપાયું છે. જેમ કે – વેરીની પરે એ વરસાવો, મુજ આવી લાગ્યો આડો રે.”
છેલ્લી કડીમાં સંભૂતિવિજય ગુરુ પાસે પ્રથમ ચાતુર્માસનો આદેશ લઈને સ્થૂલિભદ્ર કોશાના રંગભવનમાં આવે છે. કોશા પરત આવેલા પ્રીતમને મોતીડે વધાવે છે.
બીજી ઢાળ વિરહોગારની હતી, તો ત્રીજી ઢાળ મિલનના આનંદોદ્ગારની છે. “અંતે પ્રાણનાથ પધાર્યા. શું આ સ્વપ્ન તો નથી ને? આજે મારા સુખમાં કોઈ ઊણપ રહી નથી.” સ્થૂલિભદ્ર કોશાની ચિત્રશાળામાં ચાતુર્માસ સ્થિરતા કરી.
ચોથી ઢાળમાં ચૂલિભદ્રનો જોગીવેશ જોઈને કોશા ગાન-નર્તન દ્વારા એમને આકર્ષવા પ્રયત્નશીલ બને છે. પ્રેમીને ઉપાલંભ આપતાં એ કહે છે,
218 * જૈન રાસ વિમર્શ