________________
ગોચરીએ પધારે છે તે કૂકડાને પીંજરામાં જોઈ તેને મુક્ત કરવાનું કહેવા લાગ્યા. આથી ગુણાવળીએ બધી વાત કરી. ત્યારે તેમણે કર્મની મહત્તા બતાવતા કહ્યું કે કર્મ પાસે બધા પરાધીન છે. પરંતુ તમે ધર્મનું આરાધન કરશો તો સહુ સારાં વાનાં થઈ રહેશે. આમ આશ્વાસન આપીને ગયા. ગુણાવળી ઘણો પશ્ચાત્તાપ કરે છે કે હું સાસુ પાસે ન ગઈ હોત તો આ થાત જ નહિ અને ચંદરાજાની માફી માગે છે. ચંદ રાજા બધું સમજી શકે છે પરંતુ ઉત્તર આપતા નથી. એક વા૨ રાણી કૂકડાને લઈ ગોખમાં બેઠી છે. આથી પસાર થતાં પ્રજાજનો વિચારે છે કે રાજાને હમણાંના જોયા નથી. આ જ રાજા લાગે છે. રાણી વીરમતી તો પ્રથમથી જ કપટી છે. આથી સહુ કૂકડાને રાજા સમજી પ્રણામ કરે છે. આ વાત વીરમતીના ધ્યાનમાં આવતાં તે ગુણાવળીને ગોખમાં ન બેસવા તાકીદ કરે છે.
આ બાજુ પ્રેમલા પતિની રાહ જુએ છે પણ આવતા નથી. હિંસક પ્રધાન કુષ્ટી કનકરાજને પ્રેમલા પાસે મોકલે છે. પ્રેમલા તેને પતિ માનવા ઇન્કાર કરે છે. આથી સિંહરથ રાજા, રાણી સર્વે આવી ખોટો વિલાપ કરી પ્રેમલાના પિતા મકરધ્વજને કહે છે કે તમારી કન્યાના સ્પર્શથી મારો રૂપવંત પુત્ર કુષ્ટી થઈ ગયો. તે વિષકન્યા છે. આ સાંભળી પ્રેમલાના પિતા પ્રેમલાને મારવા મ્યાનમાંથી તલવાર કાઢે છે પણ કનકધ્વજ એમ કહીને રોકે છે કે કન્યાહત્યાનું પાતક ચડશે. વળી દોષ કોઈનો નથી, કર્મોનો છે માટે તેને જીવતદાન આપો. પછી મકરધ્વજ પોતાના પ્રધાનને બોલાવી સઘળી વાત કરે છે. પ્રધાન વિચક્ષણ છે. સમજી જાય છે કે આમાં કંઈક પ્રપંચ છે. રાજાને પણ સમજાવવા પ્રયત્ન કરે છે પણ રાજા માનતો નથી. પુત્રીનો વધ કરવાનો હુકમ કરે છે. વધ કરતી વખતે ચાંડાળોના હાથમાં તલવાર જોઈ ભયભીત થયા વિના પ્રેમલા હસે છે. ચાંડાલના પ્રશ્નના ઉત્તરમાં રાજા અને મંત્રીને મળવાની વાત કરે છે. મંત્રીના સમજાવવાથી રાજા પડદો રાખી તેની વાત સાંભળવા તૈયાર થાય છે. પ્રેમલા વિસ્તારથી બધી વાત કરે છે અને એ પણ કહે છે કે પોતાનાં લગ્ન વીરસેન રાજાના પુત્ર, ચંદરાજા જે આભાપુરીના સ્વામી છે તેની સાથે થયાં હતાં. રાજાને થોડોક વિશ્વાસ બેસે છે અને તે સુબુદ્ધિ પ્રધાનને કહે છે કે તમે કુંવરીને તમારે ત્યાં રાખો. આભાપુરી માણસો મોકલી તપાસ કરાવો જેથી સત્ય હકીકત જાણી શકાય. પોતે જે ચાર સચિવોને પ્રેમલા માટે કનકધ્વજને જોવા મોકલેલા તે ચારેયને બોલાવી પૂછે
194 * જૈન રાસ વિમર્શ