________________
હવે આ સ્ત્રીને ઉપાડી લ્યો. આપણા સરદારની રાણી બનાવીશું. આપણો સરદાર ખુશ થશે.
સાંભળ! આ અમારો સરધર છે. તેની તું આજથી ઘરવાળી છો. અને અમારી સૌની રાણી છો. સતીના કર્મોએ હદ કરી નાખી. સતીને સૌ ભેગા થઈને સતાવવા લાગ્યા. મનથી દેવગુરુને યાદ કરી લીધા. શાસન દેવતાને પ્રાર્થના કરી લીધી સામે આવતા સરદારને પડકાર કર્યો. ભાઈ! ત્યાં જ ઊભો રહેજે. મારા માટે કોઈ વિચાર કરીશ નહિ. સરદાર કહે: તું અમારા હાથ નીચે છે. આજથી મારી ઘરવાળી તું છો. તે હાલ હવે મારા ઘરમાં, સતી કહે: આ વાત કરીશ નહિ, સ્ત્રી તરીકે તો જરાયે નામ ન દઈશ. રખેને સૂર્ય પૂર્વ છોડી પશ્ચિમ દિશામાં ઊગે, સમુદ્ર મર્યાદા કદાચ લોપે, બરફનો પર્વત હિમાલય તે કદાચ અગ્નિ બની જાય તો પણ સતી પોતાના શિયળવ્રતમાંથી ચલાયમાન નહિ થાય. સતીની વાત સાંભળી, સરદાર તથા બીજા પણ બધા સાથીદારો ક્રોધે ભરાયા. કહ્યું કે દુર્જનને ઉપદેશ આપવો, સર્પને દુગ્ધપાન કરાવવું નકામું છે. વિપરીત જ થાય. તેમ સતીનાં વચનોએ આ પલ્લીપતિ સરદારને વધારે ઉશ્કેર્યો.
સરદાર દુર્જનમાં દુર્જન હતો. સુરસુંદરી સતીને પોતાના ઘરમાં લઈ જવા, ગુસ્સામાં તેનો હાથ પકડ્યો. રાક્ષસના પંજામાંથી એકઝાટકે પોતાનો હાથ સરદારના હાથમાંથી છોડાવતી સતી કહે: ખબરદાર! જો મારા શરીરને અડક્યો છે. તો હવે સરદારે પોતાના કમરે લટકતી તલવારને હાથમાં લીધી. બબડવા લાગ્યો. આ બૈરી તો બહુ બહાદુર લાગે છે. એમ કહીને ફરીથી સુરસુંદરીનું કાંડુ પકડ્યું. ભીલ સરદાર અને સુરસુંદરી વચ્ચે હવે રસાકસી જામી. બીજી વાર હાથ પકડતાં તો સતીનું જોર વધી ગયું. સુરસુંદરીએ ભીલના જડબા પર એક લપડાક મારી દીધી. સુરસુંદરી હવે પોતાના જીવનમરણના નિર્ણય પર આવી ગઈ. તેના મોં ઉપર ક્ષાત્રતેજના ઝગારા મારતા હતા. તમાચો પડતાં જ સરદાર દસ કદમ દૂર હટી ગયો. સુરે મક્કમતાથી ગંભીર સ્વરે કહી દીધું. મારી પાસે આવવાનું જરાયે સાહસ ન કરીશ. સરદારને આ નારીનો તમાચો વસમો પડ્યો. વનવગડાનો ભીલ તમાચા સહન કરે? મ્યાનમાં રહેલી તલવાર ખેંચી નારીને કહેવા લાગ્યો. હું મરદનો દીકરો, હમણાં બતાવી દઉં છું. મારા સામે તેં હાથ ઉગામ્યો? હમણાં તને બતાવી દઉં કહીને સતીને મારવા માટે દોડ્યો.
164 * જૈન રાસ વિમર્શ