________________
ત્યાં તો સુરસુંદરીએ કહી દીધું તારામાં તાકાત હોય તેટલા જોરથી મારા ઉપર તલવાર ચલાવ. એટલું કહી સુરસુંદરીએ આંખો બંધ કરી મેઘગંભીર સ્વરે નવપદમંત્રનો જાપ ચાલુ કર્યો. મંત્ર શબ્દોની અંચિત્ય શક્તિ સતીનું કવચ બની ગયું. વાયુ થંભી ગયો. દિશાઓ કંપવા લાગી. એક અસહાય નારીના હૈયાની શ્રદ્ધા, તેમ જ શિયળવ્રતનું અખંડપણું અને સાહસિકતાએ ગજબનો ચમત્કાર સર્યો. શાસનદેવો સતીની સહાયે આવ્યા. સતી તો નવકારમય બની ચૂકી હતી. ભીલે હણવા માટે ઉગામેલી તલવાર હવામાં અધ્ધર રહી ગઈ અને હાથ પણ ઊંચો રહ્યો. અદશ્ય પ્રહારો પડવા લાગ્યા. ભીલનું શરીર પરસેવે રેબઝેબ થઈ ગયું. જીભ થોથરાવા લાગી. નયન ચકળવકળ થવા લાગ્યાં. બીજા ભીલો પણ ત્યાં ઊભાઊભા થરથર ધ્રુજવા લાગ્યા. સૌ બોલવા લાગ્યા. આ માનવ સ્ત્રી નથી. કોઈ દેવી લાગે છે એમ સમજી સૌ સતીને શરણે આવ્યા. સતીએ આંખ ખોલીસર્જાયેલા ચમત્કાર દેખીને સતી મનોમન શાસનદેવતાના ઉપકારને યાદ કરવા લાગી.
નમસ્કાર મંત્રનો પ્રભાવ જોઈને આનંદ પામી શ્રી જિનેશ્વર ભગવાન ઉપર ઓવારી ગઈ. ત્યાર પછી ભીલોએ કહ્યું કે હે માતાજી! આપનું મન
જ્યાં જવા ચાહતું હોય ત્યાં આપ પધારો. ભીલોની રજા લઈ સુરસુંદરીએ ત્યાંથી કોઈ ગામ તરફ પહોંચાય એ રીતે ભીલોએ બતાવેલી કેડીએ હવે સતી આગળ ચાલવા લાગી. ભીલ પરિવાર એકલી જતી સ્ત્રીને દૂર મૂકી આવ્યો. સતી એક વૃક્ષ નીચે જમીન સાફ કરી આસન લગાવીને બેઠી. એક પ્રહર સુધી નવકારમંત્રનું આરાધન કર્યું. સરોવરનો કિનારો હતો. જંગલનાં પુષ્પોની મહેક હતી. મંદ મંદ વાયુ વાઈ રહ્યો હતો. આરાધન પૂરું થતાં સતી હાથનું ઓશીકું કરીને સૂઈ ગઈ. દુઃખિયારા માણસને ઊંઘ એ આશીર્વાદ રૂપ હોય છે. સતી ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. તે અવસરે એક મહાકાય પક્ષી આવ્યું. જેને જગત ભારંડ પક્ષી તરીકે ઓળખે છે. પંખીઓમાં તે શિરદાર છે. કિનારે આવી આ પક્ષીને આમતેમ જોતાં સૂતેલી સુંદરી જોવામાં આવી. તેને થયું કે કોઈ માનવીનો મૃતદેહ પડેલો છે એટલે તરત જ ફૂલને ઉપાડે તેમ તેણે સુરસુંદરીને પોતાની ચાંચમાં ઉપાડી લીધી. પાંખ ફફડાવી આકાશમાં ઊડવા લાગ્યું. સુર તો ભરનિંદરમાં હતી. અચાનક પોતે અધ્ધર ઊંચકાઈ હતી. તેથી જાગી ગઈ. જોયું આ શું? હું ક્યાં જાઉં છું? મને અહીં કોણે ઉપાડી? અરે? હું કોઈ પક્ષીના પંજામાં સપડાઈ છું. હવે છૂટવું મુશ્કેલ છે.
મહાસતી સુરસુંદરી રાસ 165