________________
અને ક્યારેક તો કરુણ પણ છે. આ ચરિત્ર પ્રાકૃત ભાષામાં તો પ્રખ્યાત છે જ. પરંતુ બાળ જીવોના ઉપકાર ખાતર આપણા અમર યશનામી કવિરાજ શ્રી વીરવિજયજી મહારાજે પંડિત શ્રી શુભવી), એ ચમત્કારિક કથાનકને સરળ છતાં ગંભીર એવા રાસરૂપે ગુજરાતી ભાષામાં ઢાળ્યું છે, જે એમનો મોટો ઉપકાર છે.
શુભ-વીરની કવિતા વિશે કાંઈ પણ કહેવું તે અ-કવિ એવા આપણા માટે અયોગ્ય અને અસ્થાને જ ગણાય. પણ છતાં એટલું કહેવું જોઈએ કે આથમતા મધ્યકાળના તેઓ સર્વોત્તમ કવિ છે. આથમતા સૂર્યની શાતાદાયક હુંફ અને તેના વિવિધરંગી આયામો આપણને આ કવિની કવિતામાં વ્યાપકપણે અનુભવવા મળે છે. ૧૮-૧૯મા સૈકામાં કવિવરો તો અનેક થયા, અને તેમની કવિતા અભુત માણવા યોગ્ય તેમ જ ભક્તિપ્રેરક પણ ખરી જ, પરંતુ ગેયતા શબ્દપસંદગી, અભિવ્યક્તિ ને પુણ્ય અને ભાવોત્પાદકતા – આ ચાર તત્ત્વોમાં તો શુભવીર જ મેદાન મારી જાય, એમાં શંકા નહિ. આવા મહાન કવિ જ્યારે મહાસતી સુરસુંદરીના ચરિત્રને હાથમાં લે, ત્યારે મૂળે સુગંધ છલકાતું એ ચરિત્ર કેવું રસમધુર બની જાય છે તો આ રાસના સમગ્ર વાચનામાંથી પસાર થનારાને જ અનુભવ કરવા દઈએ. કિનારે બેઠાબેઠા અનુભૂતિના ઘરમાં માથું મારવું ઉચિત પણ કેમ ગણાય?
સાધ્વીશ્રી જીતકલ્પાશ્રીજીએ અનુવાદ તથા વિવેચન કરવામાં પોતાની રુચિ તથા ક્ષયોપશમને અનુસાર પ્રશંસાપાત્ર પ્રયાસ કર્યો છે. જીવન જીવવાની અને જીવનના ઝંઝાવાતો સામે ધર્મના સહારે ઝઝૂમવાની – આત્મશક્તિનો અંદાજ અને પ્રેરણા આપતો આ રાસ શાસનના પ્રાંગણમાં સંકલ્પ, શ્રદ્ધા અને સમર્પણનાં આદર્શ પુષ્પો વેરી પવિત્રતાનો પમરાટ ફેલાવે છે.
ગ્રંથકાર શ્રી વીરવિજયજી મહારાજ મંગલાચરણ કરવા માટે ત્રેવીસમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પ્રાર્થના કરતા કહે છે : જગતમાં સઘળા ગુણોનો ભંડાર, મનોવાંછિત આપનાર, સુખસામગ્રી આપનાર, હંમેશાં જેમનું નામસ્મરણ કરવા યોગ્ય તથા સૂર્ય કરતા તેજસ્વી જેમનું નામ શંખેશ્વર છે એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ જય પામો જય પામો.
આ દક્ષિણ ભારતના મધ્યખંડમાં, પૃથ્વીરૂપ સ્ત્રીના ભાલ સમો અંગ નામનો દેશ છે. તે દેશના મધ્યભાગમાં ચંપા નામની નગરી છે. આ નગરીનો રિપુમર્દન રાજા ન્યાય સત્ય, ચારિત્ર્યની સુવાસથી મહેકતા જીવનવાળો હતો.
152 * જૈન રાસ વિમર્શ