________________
સાંડેસરાએ પ્રાપ્ત સામગ્રીને આધારે પુસ્તક પ્રકાશિત કર્યું, આમ કુલ ૫૦થી વધુ વર્ષ આ શોધયાત્રા ચાલી.
આ રાસની મૂળ હસ્તપ્રત ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં, બીજી નડિયાદથી અને ત્રીજી અન્યત્રથી પ્રાપ્ત થયેલી.
આ ગ્રંથ સંપાદનના કાર્ય માટે ઝેરોક્સ કે ફોટોકોપીના અભાવવાળા સમયે શ્રી બ. ક. ઠાકોર મહિનાઓ સુધી પૂણે રહી કાર્ય પૂર્ણ કર્યું, એમાં સંપાદકની ઊંડી નિષ્ઠાનાં તેમ જ આ ગ્રંથ માટેની પ્રીતિના દર્શન થાય છે. તેમણે દરેક આદેશોની બેથી વધારે કોપી કરી આ સંપાદનકાર્ય પૂર્ણ કર્યું છે. એમ છતાં જૂની લિપિ અને જેનધર્મના સર્વ સંદર્ભોની જાણકારીના અભાવે કેટલેક સ્થળે પાઠ જોઈએ એવો શુદ્ધ રજૂ થઈ શક્યો નથી.
અંબડ રાસમાં યોગના અનેક સંદર્ભો ગૂંથાયા છે. ગોરખ નામ નાથસંપ્રદાય સાથે સંકળાયેલું છે. કુરબક ગોરખયોગિનીની ધ્યાનકુંડલિકાની નીચેથી ધન પ્રાપ્ત કરવા ઈચ્છે છે. વળી, નાગડ પણ જ્યારે ભદ્રાવલીનું વેર વાળવા ઇચ્છે છે, ત્યારે કુંડલિનીનું ધ્યાન કરવા કહે છે. બીજા આદેશમાં યોગિની પુત્રી લઈ આવવાનું કહે છે. આવા અનેક યોગના સંદર્ભે ગૂંથાયેલા જોવા મળે છે.
આ સાત આદેશોનો સંબંધ પણ યોગના સાત ચક્રો સાથે સાંકળી શકાય. સાતમું સહસારચક્ર માથા પરનો પછેડાની વાત સાતમા આદેશમાં આલેખાયેલી છે. આમ, સમગ્ર કથામાં એક પ્રકારની યોગમાર્ગની પ્રતીકાત્મકતા જોઈ શકાય.
એ સમયમાં પણ કન્યાઓ ભણવા જતી, સ્ત્રીઓ શિક્ષિકા પંડિતા) હતી આવું બીજ આદેશની વાર્તાને આધારે કહી શકાય.
અંબડકથા એ કલ્પનાનું વિશાળ કુસુમ છે. એના સાત આદેશો એની મુખ્ય સાત પાંખડીઓ છે. આ આદેશોમાં આપણી ભારતીય લોકકથા સૃષ્ટિની અપૂર્વ અને અદ્ભુત કહી શકાય એવી ફેન્ટસી – કલ્પનાસૃષ્ટિનો વિહાર છે.
પ્રત્યેક આદેશોની કથાઓ લગભગ “અશ્રુત’ કહી શકાય એવી કથાઓથી ભરી છે. આ કથાઓમાં વપરાયેલી કથાઘટકોની સંખ્યા ઘણી મોટી છે. લગભગ કથાઘટકો આ કથાઓમાં પ્રયોજયા છે. આમાંનાં અનેક કથાઘટકો ભારતીય કથાસાહિત્યનાં સમુદ્રમાંની વિરલ જણસ કહી શકાય એવાં અદ્ભુત મોતીઓ છે. આ કથાઓમાં મનુષ્યજીવનનાં સુખદુઃખનું
અદ્ભુત રસની અનુપમ કથાઃ અંબડ રાસ +117