________________
પ્રસંગોપાત કવિ કહે છે કે, ઉત્તમ પુરુષોનું વચન અખંડ હોય છે. પટોળામાં પડેલ ભાત-ડિઝાઈન ક્યારેય જતી નથી પણ કદાચ તે ભાતનો નાશ થાય તોપણ હું મારા પરાક્રમી વચનને નહીં છોડું; એવું કહી અજાપુત્ર પોતાની નિયમ પ્રત્યેની દૃઢતા દર્શાવે છે.
વૃદ્ધા અજાપુત્રની માતા ગંગાને લઈ આવી. પુત્રને જેઈ ગંગાનું માતૃત્વ ખીલી ઊઠ્યું. તે પુત્રને જોઈ અત્યંત પુલકિત થઈ. તેના સ્તનમાંથી માતા દેવાનંદાની જેમ દૂધ ઝર્યું. અજાપુત્રએ હર્ષિત થઈ માતાને પ્રણામ કર્યાં. માતાપુત્રનો લાંબા કાળ પછી મિલાપ થયો. પોતાના પિતા હવે આ સંસારમાં નથી તે જાણી અજાપુત્રને ખેદ થયો. ત્યાર પછી તેણે માતાને પૂછ્યું કે, “હે માતા! તેં કયા કારણથી તારા પુત્રને તારાથી અળગો કર્યો હતો?’’ માતાએ સર્વ સત્ય હકીકત જણાવી. અજાપુત્ર માતાને સ્વમાનભેર રાજભવનમાં લઈ ગયો.
ઢાળ : ૧૧ અજકુમારને માતા મળી ગઈ પરંતુ જ્યાં સુધી વૃદ્ધા નીરોગી ન બને ત્યાં સુધી અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. અજાપુત્રે વૃદ્ધાનો ઇલાજ શરૂ કર્યો. અનેક વૈદ્યો આવ્યા પરંતુ કોઈ રોગ દૂર ન કરી શક્યા. અંતે એક પ્રૌઢવયના વૈદ્ય આવ્યા. તેમણે કહ્યું, “બકરીના દૂધથી પોષાયેલા પુરુષની જીભના ટેરવામાં અમૃત હોવાથી તેના ટેરવાનું માંસ મળે તો આ વૃદ્ધા નીરોગી બની શકે.” પરોપકારી અજાપુત્રને યાદ આવ્યું કે, એવો પુરુષ તો હું પોતે જ છું. મારી જીભના માંસ વડે વૃદ્ધાને નીરોગી કરું.' એવું વિચારી પરોપકારી અજાપુત્ર કટારી કાઢી જિહ્વા કાપવા ગયો – ત્યાં વૃદ્ધા દેવાંગના બની ગઈ. કવિએ અહીં પ્રસંગોપાત કહ્યું છે કેઃ
મનરંજિત કરવા કોયલ ટહુકે છે. મોર કળા કરે છે. હંસ લહેકાથી ચાલે છે. મૃગની આંખમાં, સિંહની કેડમાં અને આમ્રફળમાં અમૃત ભર્યું છે. અર્થાત્ ત્રણે વસ્તુથી આનંદ મળે છે. કલ્પવૃક્ષ જગતમાં ઉપકાર કરવા માટે જ અવતરે છે. નીલચાસ પક્ષીનાં દર્શન શુકન શાસ્ત્રમાં શુભ ગણાય છે. હાથીના કુંભસ્થળમાં મોતી હોય છે; તેમ પરોપકાર કરનારા સજ્જન પુરુષ બીજા માટે જ જીવે છે. નિર્ગુણ પુરુષનું જીવિત નકામું છે.
ચોપાઈ : ૧૨ વૃદ્ધા (દેવાંગના) અજાપુત્રના સત્ત્વની પરીક્ષા કરવા આવી હતી. તે ચંદ્રાનના નગરીની અધિષ્ઠાયિકા દેવી હતી. અજાપુત્રને આશીર્વાદ આપી ચાલી ગઈ.
કવિ ઋષભદાસ કૃત ‘અજકુમાર રાસ’ * 93