________________
સમયસુંદર કૃત નલદવદંતી રાસ
ડૉ. ઉર્વશી એમ. પંડ્યા
સાહિત્ય અને માનવજીવન અવિનાભાવી સંબંધે જોડાયેલાં છે. તત્કાલીન યુગની સામાજિક, રાજકીય, ધાર્મિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ અને એ પરિસ્થિતિઓ અનુસાર જે-તે સ્થળ અને સમયની ગતિવિધિઓની પ્રભાવકતા સાહિત્યસર્જનનું મહત્ત્વનું પ્રેરક-પોષક બળ બને છે તો બીજી બાજુ માનવજીવનનાં પ્રતિબિંબ ઝીલીને રચાતું આ જ સાહિત્ય માનવમાં સંસ્કાર, મૂલ્યો, જીવનની રીતિ-નીતિ આદિના ઘડતરનું માધ્યમ બને છે.
કોઈ પણ સમયમાં પ્રજાજીવનની સામૂહિક ચેતના પર તત્કાલીન સાહિત્યનો પ્રભાવ અનિવાર્યપણે પડતો હોય છે એ સર્વવિદિત છે. આ સાહિત્ય મનોરંજન ઉપરાંત મૂલ્યબોધલક્ષી પણ હોય છે. માનવસહજ ચિત્તવૃત્તિને અનુકૂળ એવાં મનોરંજન દ્વારા જીવનનાં શુષ્ક, ગહન જણાતાં ચિંતન-દર્શનનો બોધ કલાત્મક અને રસમય કરાવી આપે છે.
પાશ્ચાત્ય સાહિત્યનાં સીમાસ્તંભ સમા સર્જક-વિવેચક ટોમસ સ્ટર્સ એલિયટ (ઈ.સ. ૧૮૮૮ - ૧૯૬૯) પોતાની કાવ્યવિચારણા અંતર્ગત સંસ્કૃતિનાં બે તત્ત્વો સમજવ્યાં છે. એક તત્ત્વ તે ભંગુર અને નાશવંત છે. જે ચોક્કસ સ્થળ-કાળમાં જ પ્રવર્તમાન હોય છે. સ્થળ બદલાતાં કે સમય વીતતાં એ અલ્પજીવો તત્વો પણ લુપ્ત થાય છે. બીજું તત્ત્વ તે શાશ્વત અને સનાતન છે. એવાં તત્ત્વો માનવસંસ્કૃતિનાં સાતત્ય સાથે સદાકાળ સર્વસ્થળમાં પ્રવર્તમાન રહે છે તે શાશ્વત, કાલજયી અને સર્વસામાન્ય હોય છે. વિશ્વની ઘણીબધી કથાઓમાં આ બન્ને તત્ત્વો રહ્યાં છે પણ વિશેષપણે પુરાકથા અથવા પુરાકથા આધારીત પુરાકથાનો ઉપકથા તરીકે વિનિયોગ કરતી કથાઓ અને ઉપકથા તરીકે પ્રયોજાતી કથાઓ સુધ્ધાં આ સનાતન સાંસ્કૃતિક તત્ત્વો ધરાવતી હોય છે.
આ પ્રકારની કથાઓ યુગેયુગે અને વિશ્વભરમાં અનેકાનેક સર્જકો વિધવિધ રીતે પોતાનાં સર્જકકર્મ માટે ખપમાં લેતાં હોય છે. નળદમયંતીની કથા તે આવી જ કાલજયી, સનાતન એવાં સાંસ્કૃતિક તત્ત્વો ધરાવતી કથા છે. આ કથા સમસ્ત ભારતવર્ષની લગભગ તમામ ભાવનાઓનાં અને ઠેઠ 66 * જૈન રાસ વિમર્શ