________________
अर्हद्भ्यो नमोनमः પંચસંગ્રહ-પ્રથમદ્વાર–સારસંગ્રહ
આ સંપૂર્ણ ગ્રંથમાં શતક, સત્કર્મ, કષાયપ્રાભૃત, કર્મપ્રકૃતિ અને સપ્તતિકા–આ પાંચ ગ્રંથોનો સંગ્રહ હોવાથી અથવા આના પ્રથમ ભાગમાં યોગ-ઉપયોગ માર્ગણા, બંધક, બંદ્ધવ્ય, બંધહેતુ અને બંધવિધિ એ પાંચ દ્વારોનો સંગ્રહ હોવાથી આ ગ્રંથનું નામ પંચસંગ્રહ છે.
પ્રથમ દ્વારમાં પ્રથમ ચૌદ જીવસ્થાનકોમાં ગાથા ૬થી ૮માં યોગો અને ઉપયોગો, પછી બાસઠ માર્ગણાઓમાં ગા. ૯થી ૧૫માં યોગો તેમજ ઉપયોગો, ત્યારબાદ ચૌદ ગુણસ્થાનકોમાં ગા. ૧૬થી ૨૦માં યોગો તથા ઉપયોગોનો વિચાર કરી બાસઠ માર્ગણાઓને ગા. ૨૧થી ૩૩ માં ચૌદ જીવસ્થાનક તથા ગુણસ્થાનકોનો વિચાર કરવામાં આવ્યો છે.
યોગો યોગ=મન-વચન-કાયાના ટેકા દ્વારા આત્મપ્રદેશોમાં થતું જે ફુરણ અર્થાત્ આત્મપ્રદેશોની સકમ્પ અવસ્થા, એટલે કે જે આત્મશક્તિ દ્વારા જીવ દોડવું, વળગવું, વિચારવું, બોલવું વગેરે ક્રિયાઓમાં જોડાય તે યોગ કહેવાય છે. તે શક્તિ, ઉત્સાહ, ચેષ્ટા, પરાક્રમ, સામર્થ્ય વગેરે નામોથી પણ ઓળખાવાય છે.
આ યોગ એક હોવા છતાં કારણમાં કાર્યનો ઉપચાર કરી કારણના ભેદથી તે યોગના મન-વચન તથા કાયા રૂપ ત્રણ ભેદો છે.
૧. મન દ્વારા આત્મપ્રદેશોમાં થતું ફુરણ તે મનોયોગ, તેના (૧) સત્ય (૨) અસત્ય (૩) સત્યાસત્ય અને (૪) અસત્યામૃષા એમ ચાર પ્રકાર છે.
(૧) જેના વડે મુનિઓ અથવા પદાર્થોનું હિત થાય એવી વિચારણા તે સત્યમનોયોગ. જેમ કે, જીવ નિત્યાનિત્ય સ્વરૂપ છે.
(૨) જેના વડે મુનિઓ કે પદાર્થોના અહિતની વિચારણા થાય તે અસત્ય મનોયોગ, જેમ કે, જીવ એકાંતે નિત્ય જ છે અથવા અનિત્ય જ છે.
(૩) જેના વડે કંઈક અંશે સત્ય અને કંઈક અંશે અસત્ય પદાર્થની વિચારણા થાય તે સત્યાસત્ય મનોયોગ. જેમ કે, અનેક પ્રકારનાં વૃક્ષો હોવા છતાં આંબાના વૃક્ષો વધારે પ્રમાણમાં હોવાથી આ આમ્રવન છે.
(૪) જેના વડે પદાર્થના સત્ય કે અસત્ય એવા કોઈ વાસ્તવિક સ્વરૂપની વિચારણા જ ન થાય, કેવળ લોકોના પરસ્પરના વ્યવહાર માટે જે વિચારણા કરવામાં આવે તે અસત્યામૃષા મનોયોગ. જેમ કે, હું સવારમાં વહેલો ઊઠીશ અને પહેલાં આ કાર્ય કરીશ.