Book Title: Panchsangraha Part 01
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચમદ્વાર-સારસંગ્રહ
૭૫૩
તે તે સમયની અપેક્ષાએ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સમયો ઓળંગી પછી પછીના સમયમાં અર્ધ-અર્ધ દલિકરચના તે સમયે બંધાયેલ કર્મસ્થિતિના ચરમસમય સુધી થાય છે.
કોઈપણ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં આવી અર્ધ-અર્ધ હાનિઓ કુલ પલ્યોપમના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગના સમય પ્રમાણ થાય છે અને સર્વ અર્ધ અર્ધહાનિઓથી બે હાનિ વચ્ચે રહેલ નિષેક સ્થાનો અસંખ્યાતગુણ છે.
(૪) અબાધા કંડક
કોઈપણ કર્મનો પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધ ઘટે અથવા વધે ત્યારે અબાધાકાળમાંથી એક સમયની હાનિ અથવા વૃદ્ધિ થાય. દૃષ્ટાન્ત તરીકે, જ્ઞાનાવરણીય કર્મનો ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય, અથવા સમય ન્યૂન, બે સમય ન્યૂન એમ યાવત્ પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યાં સુધી બરાબર ત્રણ હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ હોય છે અને પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂનથી આરંભી સમય-સમયની હાનિએ યાવત્ પલ્યોપમના બે અસંખ્યાતમા ભાગે ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી એક સમય ન્યૂન ત્રણ હજાર વર્ષ પ્રમાણ અબાધાકાળ હોય છે. એ પ્રમાણે અબાધાકાળમાંથી સમય સમયની હાનિ કરતાં પલ્યોપમના જેટલા અસંખ્યાતમા ભાગ ન્યૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તેટલા સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા હોય છે. એ પ્રમાણે સ્થિતિબંધમાંથી પલ્યોપમનો એક એક અસંખ્યાતમો ભાગ અને અબાધાકાળમાંથી એક એક સમય ન્યૂન થતાં યાવત્ જ્ઞાનાવરણીય કર્મનો સંક્ષી પંચેન્દ્રિયને અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ થાય ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અબાધા હોય છે.
એક સમય અબાધાકાળની હાનિ અથવા વૃદ્ધિમાં જે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિબંધની હાનિ અથવા વૃદ્ધિ થાય છે તે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિઓનું એક અબાધાકંડક કહેવાય છે. એમ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષના સમય પ્રમાણ જ્ઞાનાવરણીય કર્મનાં અબાધાકંડકો થાય છે. એમ દરેક કર્મમાં જઘન્ય અબાધા ન્યૂન પોતાની ઉત્કૃષ્ટ અબાધાના સમયો પ્રમાણ અબાધાકંડકો થાય છે.
(૫) સ્થિતિસ્થાન દ્વાર
સ્થિતિસ્થાન-સ્થિતિના ભેદો, તે બંધ અને સત્તા આશ્રયી બે પ્રકારે છે.
ત્યાં જે સ્થિતિ સત્તામાં હોય તેમાંથી અનુભવવા દ્વારા અથવા સ્થિતિઘાતાદિથી સમય પ્રમાણ આદિ સ્થિતિનો ક્ષય થવાથી જેટલી-જેટલી સ્થિતિ સત્તામાં રહે તે સત્તાગત સ્થિતિસ્થાનો કહેવાય. તેનો વિચાર આ જ દ્વારમાં આગળ સત્તા પ્રકરણમાં કરવામાં આવશે. તેથી અહીં બંધ આશ્રયી સ્થિતિસ્થાનો બતાવે છે.
એક સમયે જેટલો સ્થિતિબંધ થાય તે બંધ આશ્રયી સ્થિતિસ્થાન કહેવાય છે. ત્યાં જધન્ય સ્થિતિબંધ તે પહેલું સ્થિતિસ્થાન, સમયાધિક જધન્ય સ્થિતિબંધ તે બીજું, બે સમયાધિક જઘન્ય સ્થિતિબંધ તે ત્રીજું સ્થિતિસ્થાન, એમ સમય સમયની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્ય સ્થિતિસ્થાનો થાય છે. પંચ ૧-૯૫